ખેડા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમ

મતદાર યાદી નિરીક્ષકશ્રી રંજીથ કુમારે મતદાર યાદી સુધારણા કામગીરીની કરી સમીક્ષા 

મતદાર યાદી નિરીક્ષકે શહેરના વિવિધ મતદાન મથકોની લીધી મુલાકાત

મતદાર યાદીમાં નામ નોધણીથી એક પણ મતદાર વંચિત ન રહે

તે જોવા ચૂંટણી અધિકારીઓને કરાયો અનુરોધ

ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લામાં તા.૧૨/૦૮/૨૦૨૨ થી મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહેલ છે. ચૂંટણીપંચ ગાંધીનગરની સૂચના મુજબ તા.૨૧/૦૮/૨૦૨૨ થી કલ– ૪ (ચાર) રવિવારને ખાસ ઝુંબેશના દિવસ તરીકે નિર્ધારીત કરવામાં આવેલ છે. આ પૈકી ત્રણ રવિવારની ઝુંબેશના દિવસની કામગીરી પૂર્ણ થયેલ છે અને તા.૧૧/૦૯ ૨૦૨૨ (રવિવાર) કામગીરી આજરોજ હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર કામગીરીના સંચાલન અને દેખરેખ માટે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે શ્રી રંજીથ કુમાર જે..(આઈ.એ.એસ.) ની નિમણૂંક કરવામાં આવેલ છે. ખાસ ઝુંબેશના નિર્ધારીત દિવસો પૈકી છેલ્લા દિવસ તા.૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર) ના રોજ રોલ ઓબ્ઝર્વરશ્રી રંજીથકુમાર ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યા. શ્રી રંજીથ કુમારે આજે કલેકટર કચેરી ખેડા -નડિયાદના કોન્ફરેન્સ હોલમાં નડિયાદ શહેર અને જિલ્લાની છ વિધાનસભા બેઠકોના ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી. શહેર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મતદાર યાદી નિરીક્ષકશ્રી રંજીથ કુમારે શહેરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાર યાદી સુધારણા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

     શ્રી રંજીથ કુમારે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ખાસ ઝુંબેશના ભાગરૂપે મતદાન મથકો ખાતે પણ બી.એલ.ઓ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવે છે. તા.૧ લી ઓક્ટોમ્બર ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારોના નામ મતદાર યાદીમાં ખાસ નોંધાય તે અંગે તેમણે સૂચના આપી હતી.

શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાયકાત ધરાવતા તમામ મતદારોના નામ નોંધાય તે સુનિશ્ચિત કરવા સાથે એક પણ મતદાર નામ નોધણીથી વંચિત ન રહે તે અંગે તેમણે ચૂંટણી અધિકારીઓને વિનંતિ કરી હતી. મતદારયાદીમાં નામ નોંધણી અંગે સરળતા રહે તે માટે જે તે વિસ્તારના બી.એલ.ઓ.ના નામ અને નંબરની યાદી નાગરીકોને આપવા સૂચના આપી તથા ૧૯૫૦ વોટર હેલ્પલાઈન નંબર, NVSP અને VHA નો મહત્તમ પ્રચાર પ્રસાર થાય તે મુજબનું આયોજન કરવા સૂચના આપી. ઉપરાંત આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ લાયકાત ધરાવતાં નાગરીક મતદારયાદીમાં નામ નોંધણી કરાવવાની કામગીરી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી કે.એલ.બચાણીએ જણાવ્યું કે, ખેડા જિલ્લામાં આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ને ધ્યાને રાખી તા.૦૧.૧૦.૨૦૨૨ ની લાયકાતની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં જિલ્લાનો કોઈપણ નાગરીક મતદાર નોંધણીથી વંચિત ૨હી ન જાય તથા તમામ ૧૮ વર્ષની વયના યુવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ સુનિશ્ચિત કરી શકાય તે અંગે ખાસ ઝુંબેશ અન્વયે મતદાર જાગૃતિ તથા કેળવણી હેઠળ જિલ્લામાં તમામ વિધાનસભા મતવિસ્તાર તથા શહેરી વિસ્તારમાં મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમ આયોજીત ક૨વામાં આવ્યા હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી કે.એલ.બચાણીએ જણાવ્યું હતું.

     

મતદાર યાદી નિરીક્ષકશ્રી રંજીથ કુમારે મતદાર યાદી સુધારણા અન્વયે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી રચનાત્મક સૂચનો મેળવ્યા હતા.

મતદાર યાદી નિરીક્ષકશ્રી રંજીથ કુમારે ખેડા જિલ્લાના નડિયાદ શહેરના સંતરામ મંદિરની મુલાકાત લીધી અને ધન્યતા અનુભવી ત્યારબાદ તેઓએ નડિયાદ શહેરની નગર પ્રાથમિક શાળા નં ૨૨ ની મુલાકાત લીધી અને બી.એલ.ઓ ને મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને તમામ બી.એલ.ઓની કામગીરી બિરદાવી 

      

આ બેઠકમાં કલેકટરશ્રી કે.એલ.બચાણી, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એસ.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ,અને ખેડા જિલ્લાના પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી તેમજ જિલ્લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ઈરફાન મલેક