૮૪.૭૭ %ના સેટલમેન્ટ રેટ સાથે રૂડસેટે આજ સુધી ૫૯૯ તાલીમ દ્વારા 

૧૯૦૦૦ થી વધુ ગ્રામીણ યુવકોને તાલીમ આપી

રૂડસેટ નડિયાદ દ્વારા થતા ગ્રામીણ યુવા-યુવતીઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનું ઉત્કૃષ્ટ કામની નોંધ

રાજ્ય તથા રાષ્ટ્રકક્ષા પર લેવાઈ છે – કલેક્ટર કે.એલ.બચાણી

 જિલ્લા કલેક્ટર કે. એલ બચાણીના અધ્યક્ષસ્થાને રૂડસેટ નડિયાદ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલની રૂડસેટી એડવાઈઝરી કમિટી (ડી.એલ.આર.એ.સી.) યોજાઈ હતી.આ બેઠક અંતર્ગત રૂડસેટ સંસ્થાનો છેલ્લા ક્વાર્ટરની કામગીરી તથા પ્રગતિની સમીક્ષા, તાલીમ કાર્યક્રમો તથા તેના પરિણામો, તાલીમ બાદ તાલીમ તથા તેની સફળતા અંગેના સર્વેક્ષણો, નાબાર્ડ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્પોન્સર થયેલ તાલીમો અને આગામી ક્વાર્ટરમાં યોજાનાર તાલીમ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટર કે. એલ. બચાણીએ અગાઉ આપેલ સૂચનો જેવા કે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ થકી તાલીમ આપવી તથા તાલીમાર્થીઓને તાલીમ તથા આત્મનિર્ભરતા તરફ વધુ પ્રોત્સાહિત કરવા અંગેના સૂચનો અમલીકરણમાં મૂક્યા હોવાનું અજય પાઠક, નિર્દેશક રૂડસેટ નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રૂડસેટ દ્વારા અપાતી તાલીમોની ગુણવત્તા વધારવા માટે વધુ સર્વેક્ષણ કરવા તથા તાલીમાર્થીઓને જાતે ફોર્મ કેવી રીતે ભરવા જેવી રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી તાલીમો આપવા પણ કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને મોટીવેશનલ વિડિયો તથા મુવી દેખાડી વધુ પ્રેક્ટીકલ બની તાલીમ આપવા અંગે પણ તેઓએ સૂચન કર્યું હતું.

આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવે દ્વારા રૂડસેટ લાઇબ્રેરીમાં વધુ પુસ્તકો લાવી પુસ્તક ભંડોળ મોટું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રૂટસેટ સંસ્થાએ અત્યાર સુધી ૫૯૯ તાલીમ દ્વારા ૧૯,૮૫૦ ગ્રામીણ યુવા-યુવતીઓને તાલીમ આપી છે. જેનો સેટલમેન્ટ રેટ ૮૪.૭૭% છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા ૩૫ એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા ૮૪૪ યુવાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સાથે ફોલો-અપ વિઝીટ, રૂડસેટી બજાર, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તથા પશુ મિત્ર બેચને તાલીમ તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશેષ તાલીમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પી. આર. રાણા, નિયામક જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી, શંભુલાલ, મેનેજર કેનેરા બેન્ક, મનોજ ઝા, ક્ષેત્રીય મેનેજર, કેનેરા બેન્ક, ભરતકુમાર પરમાર, એલ. ડી. એમ. બેન્ક ઓફ બરેડા, તન્વી પટેલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમિત ભટ્ટ, ડી.ડી.એમ. નાબાર્ડ, નિત્યા ત્રિવેદી, નાયબ માહિતી નિયામક માહિતી અને પ્રસારણ વિભાગ, તનુજકુમાર, વરિષ્ઠ શાખા મેનેજર, કેનેરા બેન્કના અધિકારીઓ હાજર રહ્યા હતા.