કારંજ પોલીસે તપાસ કરી તો આ વૃદ્ધ કોઈ પોલીસ અધિકારી નહોતો, તેને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરી તો, આ વૃદ્ધ અનેક નામ અને સરનામા રાખતો હોવાનું સામે આવ્યું

અમદાવાદ શહેરના લાલ દરવાજા અને ભદ્ર વિસ્તારમાં વેપારીઓની પાસે જઈ રોફ જમાવી પૈસા પડાવતો એક નકલી પોલીસ ઝડપાયો છે. આ વૃદ્ધ પોલીસના બુટ અને કેપની સાથે આઈ કાર્ડ રાખી લોકો સમક્ષ રોફ ઝાડતો હતો. પરંતુ લોકોના ધ્યાને આ નકલી પોલીસ હોવાનું ધ્યાને આવતા જ અસલી પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

લાલ દરવાજા ભદ્ર વિસ્તારમાં આમ તો બંદોબસ્ત અને પોલીસ પોઇન્ટ હોવાથી ત્યાંના તમામ પોલીસકર્મીઓને લોકો ઓળખતા હોય છે પણ મંગળવારે આ વૃદ્ધ પોલીસના સ્વાંગમાં આવ્યો અને લોકોને રોફ જમાવી રહ્યો હતો તેવામાં શંકા જતા જ લોકોએ તપાસ કરી અને અસલી પોલીસને જાણ કરી પોલીસે જઈને તપાસ કરી તો આ વૃદ્ધ કોઈ પોલીસ અધિકારી નહોતો તેને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરી તો આ વૃદ્ધ અનેક નામ અને સરનામા રાખતો હોવાનું સામે આવ્યું સાથે જ તેની પાસેથી એક નકલી આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું. જેમાં તેણે અમરસિંહ પર્વતસિંહ જાડેજા નામ લખી CID ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર ઓલ ઇન્ડિયા ડિવિઝન, ગાંધીનગર, દિલ્હી ભારત સરકારનું લખાણ લખ્યું હતું.

આરોપી બાબુ સોમચંદ પટેલ ઉર્ફે રમેશ ઉર્ફે અરવિંદ શાંતિલાલ પટેલ આમ તો 65 વર્ષથી વધુની ઉંમર ધરાવે છે. આરોપી મૂળ પેટલાદનો છે અને છેલ્લા ઘણા સમયથી વડોદરામાં રખડતું ભટકતું જીવન ગાળતો હતો. અગાઉ પણ છેતરપિંડી અને પ્રોહીબિશનના કેસમાં ચૌદેક વર્ષ જેલ જઈ આવ્યો છે અને તેના કારણે જ તેના પરિવારજનોએ પણ તેને ઘરમાંથી કાઢી મુક્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ જાતે જ કોરા કાગળ પર નામ ઠામ અને સિક્કો મારી પોલીસનું આઈ કાર્ડ બનાવ્યું હતું. આરામ કરવાની ઉંમરે હવે એક કાંડના લીધે આરોપી જેલના સળિયા ગણશે તો બીજી તરફ આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી પૈસા ખંખેર્યા છે અને તેનું અસલી નામ ઠામ સરનામું શુ છે તે બાબતે હકીકત જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ માહિતી જાણકારી માટે sms news ને ફોલો કરો