સુરતના કામરેજ પોલીસે તાપી નદીના કિનારાની અંદર ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓને બંધ કરાવવા ડ્રોનની મદદથી ચેકિંગ હાથ ધરાતા દેશી દારૂ ઉતારતા તત્વોમાં ભારે ભાગદોડ મચી હતી, પોલીસે ડ્રોનમાં દેખાયેલી 6 જેટલી ભઠ્ઠીઓ ઝડપી પાડી દારૂનો નાશ કર્યો હતો.

લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક સૂચનો કરવામાં આવ્યાં છે. ત્યારે સુરત જિલ્લા પોલીસ સતત દારૂના અડ્ડાઓ બંધ કરાવી રહી છે અને કામરેજ ડિવિઝનના DYSP બી.કે.વનાર, કામરેજ PI આર.બી.ભટોળ તેમજ પોલીસની ટીમ દ્વારા રેડ ડ્રાઇવ શરૂ થતા જ બુટલેગરો ફફડી ઉઠ્યા છે.

ડ્રાઈવ દરમિયાન દેશી દારૂ વેચાણ, રસાયણ વેચાણ, દારૂની ભઠ્ઠીઓ તેમજ વિદેશી દારૂના વેચાણના અનેક કેસો કરવામા આવ્યા છે, પરંતુ નદી કિનારે તેમજ ઝાડી-ઝાખરા વિસ્તારમાં હજુ પણ ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ કે જે સહેલાઈથી ધ્યાને આવતી નથી. તેવી ભઠ્ઠીઓ પર રેડ કરવા પોલીસ દ્વારા ડ્રોનની મદદ લઇ તાલુકાનાં ગામેગામ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એ દરમિયાન પોલીસની નજરે 6 ભઠ્ઠી આવતાં તમામ સ્થળે રેડ કરી ભઠ્ઠીઓ તોડવામાં આવી છે.
આમ,દેશી દારૂ ના પીઠા બંધ કરાવવા પોલીસ કામે લાગી છે.