ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ ધોઈ ગામ ખાતેથી અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા અને કિશોરીઓ માં એનિમિયા નું પ્રમાણ ઘટાડવા "જતન પ્રોજેક્ટ " નો શુભારંભ*

            અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા અને કિશોરીઓ માં એનિમિયા નું પ્રમાણ ઘટાડવા ના ઉમદા આશય સાથે જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠા શ્રી હર્ષદ વોરા દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ધોઈ અને પીપોદરા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના ગામો પસંદ કરી એનિમિયા નાબુદી ની પહેલ અંતર્ગત ધોઈ ખાતેથી "જતન પ્રોજેક્ટ " નો શુભારંભ યોજાયો હતો.

            “જતન પ્રોજેકટ્” અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગત માસે આરોગ્ય,શિક્ષણ,આઈ.સી.ડી.એસ. અને આયુર્વેદ શાખાના અધિકારીઓ,પોષણ ના નિષ્ણાતશ્રીએ અને વૃદ્ધિ પ્રોજેકટના અધિકારીઓ સાથે અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા અને કિશોરીઓમાં એનિમિયા નું પ્રમાણ ઘટાડવા માટે જરૂરી ચર્ચા કરી હતી. જેમાં મુખ્યત્વે સ્થાનિક આહાર તેમજ તેમની રૂઢિગત માન્યતાઓ થયેલ અભ્યાસને ધ્યાને લઈને તેમના ખોરાક ઉપરાંત પોષણયુક્ત પૂરક આહાર શું આપી શકાય તે નક્કી કરવામાં આવ્યું હતું.

             આ પ્રોજેકટ ના અમલીકરણ માટે ખેડવા અને મીઠી બીલી પ્રા.આ.કેન્દ્ર.ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્રારા તા. ૨૫ ઓગષ્ટ થી ૦ થી ૬ વર્ષના ૭૧૮ બાળકોનું વજન,ઊંચાઈ અને એમ.યૂ.એસી. કરી જરૂરી સારવાર અર્થે બાળકોને CMTC માં રીફર કરવામાં આવેલ. તેમજ ૧૦ થી ૧૯ વર્ષની ૪૪૮ કિશોરીઓનું એચ.બી.,વજન,ઊંચાઈ(BMI),સિકલ સેલ ટેસ્ટ કરી પ્રા.આ.કેન્દ્ર.ખાતે જરૂરી સારવાર આપવામાં આવી હતી.

            ધોઈ તાલુકાના ખેડબ્રહ્મા ખાતે જતન પ્રોજેક્ટ નો શુભારંભ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જણાવ્યું કે, તંદુરસ્ત ગુજરાતના ઉજ્જવળ ભાવિ માટે બાળકોની તંદુરસ્તી અગત્યની બાબત છે. આપણે દરેક પરિવારને તંદુરસ્ત કરવા માટે સ્વસ્થ માતા સ્વસ્થ બાળકના સૂત્રને અમલી કરવું પડશે. આ માટે તેઓ એ ગામ આગેવાનોને તેઓ ની સહભાગિતા માટે નમ્ર અપીલ કરતાં જણાવ્યુ કે, શાળામાં દૂધ સંજીવની યોજના નો સંપૂર્ણ અમલ કરાવવો,આંગણવાડી ખાતે થી આપવામાં આવતા THR નો ઉપયોગ કરવો અને જતન પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલ પોષણ કીટનો પણ જરૂરતમંદ બાળકો જ ઉપયોગ કરે તેની કાળજી રાખવી. સદર પ્રોજેકટમાં IMA ખેડબ્રહ્મા દ્રારા આપવામાં આવેલ સહયોગ ની પ્રશંસા કરી હતી. ધોઈ પ્રાથમિક શાળાની ૧૦ કિશોરીઓને કાર્યક્રમ શુભ આરંભરૂપે પોષક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

            આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.એસ.ચારણ,IMA ખેડબ્રહ્માના સેક્રેટરી ડૉ. નિલેષ બેગડીયા તથા સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.