કસ્માત માટે કુખ્યાત બનેલ લિંબડી હાઈવે ફરી એક વખત ગોઝારો સાબિત થયો છે. વહેલી સવારે લિંબડી નજીક ભાંગેલા તુટેલા હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ટેમ્પો ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાઈ પડતા ત્રણ યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ લિંબડી-બગોદરા હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે વહેલી સવારે હાઈવે પર બંધ હાલતમાં પડેલા ડમ્પરની પાછળ પુર ઝડપે આવતું ટેમ્પો ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાઈ પડ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલમાં મુસાફરી કરતા લિંબડી તાલુકાના ઉંટડી ગામના પરસોતમભાઈ પુનાભાઈ ઉધરેજા, રાજકોટના શૈલેષ ભીખાભાઈ પરમાર અને જામનગરના આમદ ઓસમાણભાઈ માગરિયાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના ભલ ગામડાના સચિન ગોવિંદભાઈને ગંભીર ઈજા સાથે પ્રથમ લિંબડી ત્યાર બાદ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રિફર કરવામા આવ્યા છે.