ડીસા શહેરમાંથી આજે વધુ એક બાઈક ચોર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. શહેર દક્ષિણ પોલીસે ચોરીના એકટીવા સાથે એક શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહનચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે પોલીસ પણ સક્રિય બની વાહનચોરીના ગુનાઓને અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ડીસા શહેર ઉત્તર પોલીસે 15 દિવસ અગાઉ ચોરીના ચાર બાઈકો સાથે બે શખ્સોની અટકાયત કર્યા બાદ આજે ડીસા શહેર દક્ષિણ પોલીસે પણ વધુ એક બાઈક ચોરની અટકાયત કરી છે.

ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે એક શંકાસ્પદ એકટીવા પસાર થઈ રહ્યું હોવાનું જણાતા પોલીસે તેને થોભાવી ચાલકની પૂછપરછ કરતા તે લાલચાલી વિસ્તારમાં રહેતો જગદીશ મોચી હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે કડક પૂછપરછ કરતા તેને એક્ટીવાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ચાલકની અટકાયત કરી એકટીવા જપ્ત કર્યું હતું. તેમજ વધુ બાઈક ચોરી અંગેના ગુનાઓ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.