ગુજરાત સરકારે રાજ્યના પોલીસકર્મીઓને ગ્રેડ પે આપવાને બદલે 550 કરોડનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ આપ્યું અને એ રીતે ગ્રેડ પે આપ્યા વગર એલાઉન્સ આપીને પોલીસકર્મીઓના પગારમાં વધારો કર્યો. પરંતુ આ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ નો લાભ લેવા માટે પોલીસકર્મીઓ પાસે બાંહેધરી લેવામાં આવી રહી છે.

'જાહેર સુરક્ષા પ્રોત્સાહન' માટે ગુજરાતના પોલીસ કર્મચારીઓ પાસે લેવામાં આવી રહેલા આ બાંહેધરી પત્રકની વાત કરીએ તો એમાં કહેવામાં આવું છે કે સહી કરનાર પોલીસકર્મી 'જાહેર સુરક્ષા પ્રોત્સાહન' રાજીખુશીથી સ્વીકારવા તૈયાર છે.

રાજ્યના પોલીસકર્મીઓ 'જાહેર સુરક્ષા પ્રોત્સાહન'ની રકમ સ્વીકારીને ભવિષ્યમાં પણ અન્ય કોઈ પ્રકારના ભથ્થા કે લાભ માટે દાવો કરી શકશે નહીં તેવો પણ બાંહેધરી પત્રકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હવે પોલીસકર્મીઓ ભવિષ્યમાં લાભો મળતા બંધ થવાના ભયને કારણે આ બાંહેધરી પત્રક ભરીને બાંહેધરી આપી નથી રહ્યા. ગઈકાલે આ અંગે વડોદરાથી સમાચાર આવ્યાં હતા કે વડોદરા ગ્રામ્ય પોલીસના 1053 પોલીસકર્મીઓમાંથી એક પણ પોલીસકર્મીએ બાંહેધરી પત્રક સહી કરીને આપ્યું નથી. પણ હવે સરકાર આ મામલે તાનાશાહી શરૂ કરી રહી હોય એવું લાગી રહ્યું છે.

આ અંગે વધુ એક પરિપત્ર વાયરલ થયૉ છે. આ પરિપત્ર વડોદરા પોલીસ કમિશનરની કચેરીનો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 'જાહેર સુરક્ષા પ્રોત્સાહન' પેકેજનો લાભ લેવા માટે તમામ પોલીસકર્મીઓએ 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી આપીને આ બાંહેધરી પત્રને તરત જ ટોચની અગ્રતાના ધોરણે મકલી દેવાના રહેશે.