કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના કાંકરિયા ખાતે 6ઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન મિટનું ઉદ્ઘાટન કર્યું હતું.પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરો દ્વારા આયોજિત ત્રણ દિવસીય જેલ મિટના ઉદઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ અને પોલીસ સંશોધન અને વિકાસ (BPR&D) મહાનિર્દેશક, સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  અમિતભાઈ શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ જેલ મિટ માત્ર ખેલદિલીને સકારાત્મક રીતે પ્રોત્સાહિત કરશે એટલું જ નહીં પણ જેલ પ્રશાસનને પણ અહીંના ત્રણ દિવસના રોકાણ દરમિયાન સહભાગીઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા અને સફળ અનુભવોના આદાન-પ્રદાનનો લાભ મળશે. શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં બીજી વખત આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે ખૂબ જ સંયોગની વાત છે કે જ્યારે ગુજરાતમાં પ્રથમ જેલ મિટ યોજાઈ ત્યારે નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેઓ રાજ્યના ગૃહમંત્રી હતા. આજે મોદીજી દેશના વડાપ્રધાન છે અને તેઓ ગૃહમંત્રી છે. તેઓએ આ બન્ને મિટમાં સૌને આવકારવાની તક મળી તે માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. 
 
શાહે કહ્યું કે BPRED દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા સાથે સંબંધિત ઘણા વિષયો અને પાસાઓ પર સમગ્ર દેશમાં એક કોમન અને સર્વ સ્વીકૃત કાર્યક્રમ બનાવવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે જેલ પ્રશાસન પણ દેશની આંતરિક સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેને અવગણી શકીએ નહીં. સમાજમાં જેલને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જેલમાં સજા કાપી રહેલા દરેક કેદી સ્વભાવે ગુનેગાર નથી. જો કે, ઘણી વખત આવી ઘટના બને છે કે તેઓ ગુનામાં સામેલ થઈ જાય છે અને તેમને સજા પણ થાય છે અને સમાજને ચુસ્ત અને વ્યવસ્થિત રાખવા માટે આ ખૂબ જ જરૂરી પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે જો સજા નહીં હોય તો ડર નહીં હોય, જો ડર નહીં હોય તો શિસ્ત નહીં હોય અને જો શિસ્ત નહીં હોય તો આપણે સ્વસ્થ સમાજની કલ્પના કરી શકતા નથી. તેથી, સજાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જેલ પ્રશાસનની જવાબદારી પણ છે કે જો કોઈ સ્વભાવગત, જન્મજાત અને રીઢો ગુનેગારો ન હોય, તો તેઓ આવા તમામ કેદીઓને સમાજમાં ફરીથી પુનર્વસન કરવાનું માધ્યમ બને. શાહે કહ્યું કે સજા પામેલા લોકોમાંથી 90% એવા કેદીઓ છે જેમનું સમાજમાં પુનર્વસન માત્ર માનવીય દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ મીટની અંદર અનેક પ્રકારની સ્પર્ધાઓ યોજાવા જઈ રહી છે, જે પુનર્વસનની પ્રક્રિયા માટે જેલ પ્રશાસનના કર્મચારીઓ અને અધિકારીઓમાં સંવેદનશીલતા કેળવશે.