આજે ૧લી સપ્ટેમ્બરે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં આ સમિતિની પ્રથમ બેઠક કલેકટર કચેરી ખાતે દસ સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કૌટુંબિક ઝગડાઓ ઓછા થાય સુરક્ષા સાથે સમાધાનકારી સૌહાર્દભર્યું વાતાવરણ સર્જાય અને ક્યાંક કોઈ ઝઘડાઓ થાય તો સમાધાનકારી સમજાવટથી નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે RAC દ્વારા આ નવતર અભિગમ અંતર્ગત ફેમિલી ફસ્ટ  સમજાવટનું સરનામું” યોજના અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિનું ગઠન કરાશે. કૌટુંબિક વિવાદોના જે કેસ નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે. કામગીરી નિભાવતા પક્ષકારોની પારિવારિક અને વ્યક્તિગત પ્રતિષ્ઠા તેમજ માનમર્યાદા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને યોગ્ય કાઉન્સેલીંગ કરીને કેસનો નિકાલ કરાશે.

કૌટુંબિક સલામતી અને સુખાકારીને અસર કરતા બધા જ મુદ્દાઓની તપાસ બાદ યોગ્ય નિર્ણય કરાશે. જરૂર જણાય તો તત્કાલ આશ્રય સહિત જરૂરી કાળજી રક્ષણની પણ ચોક્સાઇ કરાશે. સમિતિમાં આવેલ કેસનું દસ્તાવેજીકરણ કેસની સવિસ્તાર અને સંક્ષિપ્ત નોંધ પણ કરવામાં આવશે. સ્ત્રી અને બાળકોના હિતો જળવાય તે માટે જરૂર જણાય ત્યાં સરકારી બિનસરકારી સંસ્થાઓ તથા સંગઠનોની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સામાજિક તપાસ પુનઃવસવાટ અને પુનઃસ્થાપનનું પણ ધ્યાન રાખવામાં આવશે.

 સ્થાનિક કક્ષાએ આ યોજનાના સુગમ અમલીકરણ હેતુ સાત સભ્યોની સમિતિનું ગઠન કરાશે. જિલ્લા કક્ષાએ હોદ્દાની રૂએ જિલ્લા કલેકટર કે જિલ્લા કલેકટર દ્વારા રેસિડેન્સીયલ એડિશનલ કલેક્ટર RAC અને તાલુકા કક્ષાએ હોદ્દાની રૂએ મામલતદાર આ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિના સભ્ય તરીકે સ્થાનિક કક્ષાના સામાજિક દ્રષ્ટિએ પ્રતિષ્ઠા અને વર્ચસ્વ ધરાવતા આગેવાનો સ્થાનિક કક્ષાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કાયદાના જાણકાર વ્યક્તિનો સમાવેશ કરાશે. જેમાં ઓછામાં ઓછા બે અધિવક્તા સભ્ય હશે તેમજ સમિતિમાં શક્ય હોય ત્યાં સુધી એક મહિલાની પણ નિમણૂક કરાશે. વધુમાં વધુ બે આમંત્રિત સભ્ય તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ બોલાવી શકાશે.

 જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા અને તાલુકા સમિતિના સભ્યોની નિમણુંક કરશે. જ્યારે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિના કાર્યો માટે જરૂરી સ્ટાફની વ્યવસ્થા સમિતિમાં આકસ્મિક રીતે કોઈ જગ્યા ખાલી પડે તો તાત્કાલિક નિમણૂક સમિતિના અધ્યક્ષે કરવાની રહેશે. અધ્યક્ષની ભલામણના આધારે કાયદા વિભાગ પોતાની જાતે કોઈપણ સભ્યની મુદત પૂર્ણ થતા પહેલા સભ્યપદેથી દૂર કરી શકાશે. તેને દૂર કરવાના કારણો આપવાના રહેશે.

 આ સમિતિમાં સભ્ય તરીકે હોદ્દો ધારણ કરે તે તારીખથી એક વર્ષની મુદત રહેશે. કલેકટરશ્રી વધુ મુદત માટે પુનઃ નિયુક્તિ કરી શકશે. એક વર્ષથી વધુ મુદતની સત્તા કાયદા વિભાગની રહેશે.

 

આ સમિતિના માત્ર બિન સરકારી સભ્યોને દરેક કેસને સાંભળવા માટે આયોજિત કરેલ હોઇ તેના પ્રતિદિન રૂ. ૧૫૦૦ મળવાપાત્ર રહેશે. જેમાં વધુમાં વધુ પ્રતિમાસ રૂ.૮૦૦૦ સુધી માનદ વેતન મળવા પાત્ર રહેશે. કેસોના ભારણના આધારે માસમાં જરૂર જણાય તેટલી વાર મળી શકશે. બેઠક અને તારીખ અગાઉથી નક્કી કરીને અરજદાર પક્ષકારને જાણ કરવાની રહેશે. જિલ્લા કક્ષાની સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે તથા તાલુકા કક્ષાએ તાલુકા સેવાસદનમાં કરવાની રહેશે.

 

સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણય અન્ય સભ્યો પાસે અનુમોદિત કરાવવો જરૂરી રહેશે. સમિતિ સમક્ષ પક્ષકારે કરેલ રજૂઆત ખાનગી રાખવાની રહેશે અને અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહીનો કોઈ ન્યાયિક કે અર્ધ ન્યાયિક કાર્યવાહીમાં પુરાવા કે અન્ય કોઈ રીતે ઉપયોગ થઈ શકશે નહીં. કેસના આખરી નિકાલ અંગેની માહિતી માસિક રિપોર્ટમાં કાયદા વિભાગને મોકલવાની રહેશે. આ સમિતિ જરૂર જણાય તો પોલીસની મદદ લઇ શકશે અને જિલ્લાના પોલીસ અધિક્ષકે સમિતિને જરૂરી મદદ મળી રહે તેની ખાતરી કરવાની રહેશે.

 સરકારશ્રીના પરિપત્ર દ્વારા બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ કાર્યવાહી કરાશે. દર મહિનાના પહેલા શનિવારે સમીક્ષા કરાશે.

 આ બેઠકમાં મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતિ નીલાબેન પટેલ, સભ્યશ્રી સોલંકી લોકેશભાઈ આદિજાતિ મોરચો, શ્રી રણજીતસિંહ રાઠોડશ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી હેમાંશુભાઈ, શ્રી રાજેન્દ્રસિંહ દેવડા તથા ત્રણ જેટલા પક્ષકારો પોલીસ સ્ટેશન બેઝ  સપોર્ટ સેન્ટરના બહેનો, મહિલા બાળ કલ્યાણ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.