રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલમાં પાંચ દિવસ પહેલા ગળાફાંસો લગાવનાર પાકા કામના કેદી વજુ સેફાભાઈ મેર (ઉ.30)નું સારવાર દરમિયાન મોત નિપજયું છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ગત તા.27/8ના રોજ વજુએ સવારના સમયે પોતાની બેરેકમાં નાડા વડે ગળેફાંસો લગાવી લેતા જેલ કર્મીઓ જોઈ જતા વજુને તુરંત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન આજે તેમનું મોત નિપજયું હતું.

વજુ મેર મૂળ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડીયાળી ગામનો વતની હતો. અહીંના જ એક સગીર સાથે અવારનવાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાના ગુના હેઠળ બરવાળા પોલીસમાં તા.13/4/2017ના રોજ તેના વિરૂધ્ધ આઈપીસી કલમ 377, 506 (2), પોકસોની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો જેમાં વજુ અને તેના સહ આરોપી કિશન મેરને બોટાદની સ્પે. પોકસો કોર્ટે 10-10 વર્ષની કેદ અને રૂા.10-10 હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે તા.3/8/2022ના રોજ સજા સંભળાવી હતી.

જે પછી તા.4/8/2022ના રોજ વજુને ભાવનગરની જેલમાંથી રાજકોટ જેલમાં મોકલાયો હતો અને અહીં તેણે 27 ઓગષ્ટે પગલું ભર્યું હતું. પ્ર.નગર પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.