ઝાલાવાડમાં આજથી ગણેશ મહોત્સવની ઉજવણી થશે. કોરોના કાળનાં બે વર્ષ પછી ઠેરઠેર સાર્વજનિક ગણેશોત્સવ યોજાશે. એક અંદાજ મુજબ ઝાલાવાડમાં ૬૦૦ થી વધુ મંડળો દ્વારા ગણેશની સ્થાપના કરવામાં આવશે. ઝાલાવાડવાસીઓ દૂંદાળાદેવને સત્કારવા થનગની રહ્યા છે.ઝાલાવાડ પંથકમાં આજથી ઠેરઠેર વિધ્નહર્તા ગણેશજીની ભક્તિ સાથે ગણેશ મહોત્સવ યોજાશે. ઝાલાવાડમાં ૬૦૦થી વધુ મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરીને ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે. સુરેન્દ્રનગરનાં મેળાના મેદાનમાં ઝાલાવાડ કા રાજા, જોરાવરનગરમાં જોરાવરકા રાજા, સિધ્ધિ વિનાયક ગૃપ, વાદીપરા યુવક મંડળ, માંઈ મંદિર વિસ્તાર, સોનાપુર રોડ, મેગા મોલ, વડવાળા કોમ્પ્લેક્ષ, ૮૦ ફુટ રોડ, દાળમીલ રોડ સહિતનાં વિસ્તારોમાં ગણેશોત્સવ યોજાશે. આ ઉપરાંત લખતર, વઢવાણ, રતનપર, જોરાવરનગર, મુળી, સાયલા, ચોટીલા, ધ્રાંગધ્રા, થાનગઢ, લીંબડી સહીતના તાલુકાઓમાં પણ આજથી ગણેશોત્સવ યોજાશે. આ ઉપરાંત અનેક ભાવિકો પોત-પોતાના ઘરે પણ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી દૂંદાળા દેવનું સ્વાગત કરી ગણેશોત્સવની ઉજવણી કરશે. ગણેશોત્સવ દરમિયાન વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાશે. કોઈ જગ્યાએ ૧૦ દિવસ તો કોઈ જગ્યાએ ૭ કે ૫ દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કાળ પછી બે વર્ષે સાર્વજનીક રીતે ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી હોવાથી ઝાલાવાડનાં લોકોમાં ગણેશભક્તિનો થનગનાટ જોવા મળી રહ્યો છે.