બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ હવે રાજ્યમાં કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓ ઉપર પોલીસે નજર દોડાવી છે અને આગમચેતીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
વાપી અને વલસાડ જિલ્લામાં મોટાપાયે કેમિકલનો વપરાશ થાય છે, વાપી, સરીગામ,ઉમરગામ,ગુંદલાવમાં 100 જેટલા એકમો મિથેનોલનો વપરાશ કરે છે. જે પૈકી 12 મોટા એકમો મોટાપાયે વપરાશ કરે છે.
જેમાં 10 જેટલા એકમો દર મહિને સરેરાશ 1 લાખ લિટર મિથેનોલનો વપરાશ કરે છે. જે કુલ 10 લાખ લિટર થાય છે. જયારે બાકીના 90 એકમો પાંચ હજાર લિટર વપરાશ કરે છે. જે કુલ 4.50 લાખ લિટર થાય છે.

​​​​​​​બંને મળી કુલ 100 એકમો દર મહિને 15 લાખ લિટર મિથેનોલનો વપરાશ થઇ રહ્યો છે.
મતલબ કે વલસાડ જિલ્લામાં મિથેનોલનું ઉત્પાદન કરતા એકમો ઓછા છે પણ તેનો વપરાશ કરતી કંપનીઓ વધારે છે.
દરમ્યાન રાજ્યમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ હવે કોઈ તત્વો ફરી આવું કૃત્ય ન કરે તે માટે પોલીસે આગોતરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને મિથેનોલનો વપરાશ કરતી કંપનીઓને મિથેનોલના જથ્થાનો હિસાબ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.
હવેથી વલસાડ જિલ્લા પોલીસ,નશાબંધી વિભાગ અને વહિવટી તંત્ર મિથેનોલ વાપરતા એકમો ઉપર નજર રાખશે.

સુરત ખાતે મળેલી બેઠકમાં ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં મિથેનોલ સહિત કેમિકલનો વપરાશ નશાબંધી વિભાગના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યો છે. પ્રોહિબિશન એક્ટ મુજબ નશાબંંધી વિભાગ ઉદ્યોગકારો નિયમિત તેનો ડેટા રાખી રહ્યાં છે.

સુરત ખાતે મળેલી બેઠકમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા, જિલ્લા નશાબંધી વિભાગના તન્ના સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં. એકમોને કેમિકલના વપરાશ અંગેના ડેટ યૂઝર સર્ટિ. રેગ્યુલર લેખિતમાં રાખવા સૂચનો કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત કેમિકલનું વહન કરતાં વાહનોના ડ્રાઇવરોની માહિતી સહિત કેમિકલ ઉપયોગના રજીસ્ટર તમામ કંપનીઓએ અપડેટ રાખવા તાકીદ કરવામાં આવી છે.