ચૂંટણી પહેલા ગુજરાતમાં ચાલતા આંદોલનોનો નિવેડો લાવવાના હેતુસર સરકાર હરકતમાં આવી છે. આ મામલે અત્યારે સચિવાલયમાં મંત્રીઓની બેઠક આ મામલે ચાલી રહી છે. ખાસ કરીને કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ તરત જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં એક પછી એક આંદોલનો અત્યારે ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીઓમાં વિવિધ માંગોને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોથી લઈને તલાટીઓ તેમજ નિવૃત સેનાના જવાનોથી લઈને આરોગ્ય કર્મચારીઓ વિવિધ પ્રકારની મક્કમતાથી માંગણીઓ કરી રહ્યા છે.
આ આંદોલનનો અંત લાવવા અને તેમની માંગણીઓ સ્વિકારવા માટે સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે.વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ અને કેબિનેટ બેઠકના આયોજન બાદ સરકાર હરકતમાં આવી છે. ત્યારે આ મામલે તમામ રાજ્યમાં ચાલતા આંદોલનનો નિવેડો લાવવા માટે કમિટીની રચના ગઈ કાલેજ કરી દીધી છે ત્યારે 5 મંત્રીઓ કે જેમનો સમાવેશ આ કમિટીમાં કરાયો છે. તેમની તાબડતોડ બેઠકનું આયોજન ગાંધીનગરમાં સચિવાલય ખાતે કરાયું છે. જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બ્રિજેશ મેરજા સહીતના મંત્રીઓ આ કમિટીમાં સામેલ છે.
જેમની અત્યારે આ મામલે બેઠક ચાલી રહી છે અને તેઓ આ્ંદોલનો કઈ માંગણીઓ સાથે કરવામાં આવી રહ્યા છે તેને લઈને ગહન ચિંતન કરશે. ખાસ કરીને પોલીસ કર્મીઓની માંગને સંતોષાતા અન્ય સરકારી કર્મચારીઓ પણ આ પ્રકારની માંગણીઓ કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલા આ આંદોલનોને સમેટવામાં આવે તે પ્રકારે નિર્ણય લેવામાં આવશે. સાથે તેમની માંગોને પરીપૂર્ણ કરાઈ શકે છે.આંદોલનો મામલે સમાધાન લાવવા માટે 5 પ્રધાનોની ગઈકાલે જ આ કમિટી બનાવવા માટે આદેશ કરાયો હતો. ગઈ કાલે તમામ પ્રધાનોએ વિભાગો સાથે સંકલન સાધી બેઠક કરી હતી ત્યારે પ્રથમ વખત પાંચ પ્રધાનો પહેલીવાર એક સાથે આ કમિટી બનાવાયા બાદ આજે જીતુ વાઘાણીની કેબિનમાં બેઠકમાં સામેલ થયા છે. જેના કારણે નવી આશા પણ કર્મચારીઓને જાગી છે.