પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે પર્યુષણ મહાપર્વના દિવસે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.
હજારો પવિત્ર ગંગા કરતાં ક્ષમાપના માંગતી વખતે નીકળેલી આંસુની ગંગા વધુ પવિત્ર હોય છે-પૂજય નયશેખર વિજયજી
પાલનપુર નગરે મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે પરમાત્મા મહાવીરની સાડા બાર વર્ષની સમગ્ર સાધનાની પરિણામરૂપે બીજી કોઈ બાબતનો ઉલ્લેખ ન કરતા અહીં પ્રભુની કરૂણાની વાત કરીએ તો પ્રભુની કરૂણા પરાકાષ્ઠાએ પહોંચતી દેખાય છે.કારણ કે અપરાધીઓ પ્રત્યે પણ જેમણે ઉત્કૃષ્ટ પ્રેમભાવ જ વહાવ્યો છે.જેમના હૈયાનું સરોવર પ્રેમ અને કરૂણાથી છલકાઈ ઉઠયુ છે એવા પ્રભુ મહાવીરના પરિચયમાં જે જે આત્માઓ આવ્યા એમાંના ઉપકારી આત્માઓને જ નહીં પણ અપકારી આત્માઓને પણ એમણે કરૂણાના જળથી તરબોળ કર્યા છે.પાપોથી અને દુર્ભાવોથી મલિન બનેલા એ આત્માઓ પ્રત્યે પણ કરૂણાની ગંગા વહાવીને પ્રભુએ સોને પાવન કર્યા છે.એ જ ભગવાન મહાવીરે સ્થાપેલા આ ધર્મશાસનમાં પર્યુષણ પર્વની આરાધના કરવા તૈયાર થયેલા આપણે,ભગવાન મહાવીરની આ કરૂણા એમનું વાત્સલ્ય અને એમની આ ક્ષમાના ત્રિવેણી સંગમનો આદર્શ જીવનમાં અપનાવી લઈએ તો આપણી આ આરાધનાઓ સફળ થયા વિના રહે નહીં.જયાં સુધી કોઈપણ જીવાત્મા પ્રત્યે દુર્ભાવ છે. વૈરભાવ છે,અણગમાનો ભાવ ત્યાં સુધી ભગવાન મહાવીર સાથે સાચો સંબંધ બંધાઈ શકતો નથી.આપણે બધું જ કરીશું પ્રતિકમણો કરીશું ભગવાનની પૂજાઓ કરી લઈશું તપશ્ચર્યાઓ પણ કરીશું,પરંતુ હદયની અંદર કષાયોની આગ ઠરી નહીં હોય અંતરના વેરઝેરની ગાંઠોને છોડી નહીં હોય તો આપણી બધી ધર્મ આરાધનાઓ નિષ્ઠાણ બની રહેશે.શૂન્યમાં પરિણમશે જયાં બારમાસથી વધુ વેરઝેરની ગાંઠો હૈયામાં રહે છે.ત્યાં સમ્યગ દર્શન પ્રકાશ કાંતો આવ્યો નથી અને આવ્યો હોય તો ટકતો નથી.સાંવત્સરી પ્રતિકમણ વખતે ખામેમિ સવ્વજીવે સવ્વ જીવા ખમંતુ મે મિત્તીમે સવ્વભૂએસ વેરં મજઝ ન કેણઈ એવુ એલાન જયારે વિશ્વની સામે કરીએ છીએ પરમાત્માની સાક્ષીએ બોલીએ છીએ.જગતના સર્વ જીવોને હું ખમાવું છું સર્વની સાથે મારે મૈત્રી છે.આટલું બોલવા છતાં એકાદ આત્મા પણ આપણા મૈત્રીના મંડપની બહાર રહી જાય તો આપણે અસત્ય ભાષણ કર્યુ કહેવાય સાંવત્સરી પ્રતિકમણ કરતી વખતે કષાયોને હૈયમાં સલામત રાખી કોઈ પણ જીવ પ્રત્યે અણગમાનો ભાવ જીવતો રાખીએ તો અને માનતા હોઈએ કે અમે ત્રણ કલાકનું પ્રતિકમણ કર્યુ.પાપો ધોવાઈ જશે આત્મા હળવો બની જશે તો એમ બનતુ નથી.ભગવાને તો ક્ષમા ધર્મનો ઉચ્ચ આદેશ આપ્યો છે.સંગમદેવ જેવો ભયંકર ઉપસર્ગો વરસાવતો આવ્યો પ્રભુને રંજાડવામાં કોઈ બાકી ન રાખ્યુ.તો પણ ભગવાને એનેય કરૂણાના શીતલ જળથી નવડાવી દીધો ચંડકૌશિક ફૂંફાડા મારતો આવ્યો તો પ્રભુએ એને વાત્સલ્યથી અને પ્રેમથી શાંત કરી દીધો.