વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એશિયા કપ મેચમાં પાકિસ્તાન સામેની જીત બદલ ભારતીય ટીમને અભિનંદન આપતાં કહ્યું કે ટીમે જબરદસ્ત કૌશલ્ય અને ધીરજ દર્શાવી છે. દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. પીએમ મોદીએ જીતની થોડી મિનિટો બાદ ટ્વીટ કર્યું, “એશિયા કપ 2022ની મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે જબરદસ્ત કૌશલ્ય અને ધીરજ દર્શાવી હતી. જીત બદલ તેને અભિનંદન.”

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “કેટલી રોમાંચક મેચ. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. રમતગમતની સુંદરતા એ છે કે તેઓ કેવી રીતે રાષ્ટ્રને પ્રેરણા આપે છે અને એક કરે છે. જબરદસ્ત આનંદ અને ગર્વની લાગણી.” ભારતીય ટીમની જીત બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને લોકો ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન સંદેશાઓનો વરસાદ થઈ રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પણ આમાં પાછળ નથી. ભારતીય ટીમની જીત બાદ એનસીપી ચીફ શરદ પવાર પોતાની ભાવનાઓને રોકી શક્યા ન હતા અને આનંદથી કૂદી પડ્યા હતા. શરદ પવારની પુત્રી અને બારામતી લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો છે જેમાં શરદ પવાર જીતનો જયજયકાર કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.