પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી પ્રાથમિક શાળામાં વય નિવૃત્તિ થતા શિક્ષક નન્નુભાઈ રાઠવા ને ઢોલ, નગારા, ટીમલી ના તાલે સમગ્ર નગરજનો ભેગા થઈ વિદાય આપવામાં આવી હતી.

           પ્રાપ્ત માહિતી મુજબ પર્યાવરણ અને પ્રકૃતિથી સમ્પન તેમજ અલબેલી ઓરસંગના કિનારે આકાર પામેલા ભેંસાવહી ગામે પિતા બુધાભાઈ ના ઘરે તેમજ માતા વજીબેનના કુખે તા ૧ જુન ૧૯૬૪ ના રોજ પુત્રરત્ન તરીકે જન્મ ધારણ કરનાર નન્નુભાઈ રાઠવાએ માદરે વતન ભેંસાવહી માં જ પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૫ પ્રાપ્ત કર્યું અને ૬ થી ૭ ધોરણનો અભ્યાસ તાલુકા શાળા જેતપુરમાં પ્રાપ્ત કર્યો હતો. 

           નન્નુભાઈ બુધાભાઇ રાઠવા પહેલી જાન્યુઆરી ૧૯૮૫ ના શુભદિવસે વતન ભેંસાવહી ખાતે જ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમણુક પામી જન્મભૂમિ ને કર્મભૂમિ બનાવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તે કોઈ નાની સુની વાત નથી. આપશ્રીએ જે સંસ્થામાં વિદ્યાર્થીજીવન વિતાવ્યું તે જ સંસ્થામાં શિક્ષક તરીકેની સેવાઓ અર્પણ કરી રહ્યા છો એટલુજ નહિ, આજ સંસ્થામાં શાળા ના અને ગૃપના સુકાની તરીકેની ફરજો અદા કરી છે તે બાબત શાળા પરિવાર તેમજ ગ્રામજનો માટે ગૌરવ અને પ્રેરણાદાયક છે. શ્રદ્ધાના સ્તંભ પર વિશ્વાસની ધજા ફરકાવીને તેમજ કર્મનિષ્ટ અને ધર્મનિષ્ટ બની ભેંસાવહી પ્રા.શાળા માં ૩૭ વર્ષ ૬ માસ જેટલી દીર્ધકાલીન સેવાઓ અર્પણ કરી હતી અને આ સેવાઓ દરમ્યાન અનેક વિદ્યાર્થીઓંના જીવનબાગમાં શિક્ષણના પાણીનું સિંચન કરી વિદ્યાર્થીઓંના જીવન બાગને મહેકતો રાખવાનું ભગીરથ કાર્ય કર્યું છે. શિક્ષણની સાથે સાથે સમાજને અને સામાજિક કાર્યોને પણ એટલું જ મહત્વ આપી એક સામાજિક કાર્યકર તરીકેની નામના પણ પ્રાપ્ત કરી છે.

         તા-૩૧/૧૦/૨૦૨૨ ને સોમવાર ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થયા હોઇ ત્યારે ગૃપ શાળાના તેમજ આજુબાજુના શિક્ષકો ટીપીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓનું સન્માન કરી ઢોલ નગારા અને ટીમલી ના તાલે તેઓને પોતાના ઘરે મૂકી આવી વિદાય આપવામાં આવી હતી. સાથે સાથે નિવૃત્તિ પછીનું જીવન દીર્ધાયું બને,સ્વાસ્થ્ય સદાય મહેકતું રહે તેમજ આરોગ્ય સદા નિરભય રહે તે માટે ભેંસાવહી પ્રાથમિક શાળા પરિવાર તેમજ ભેંસાવહી ગામના ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.