રાજ્યમાં આમ આદમી પાર્ટીના વધી રહેલા પ્રભુત્વ વચ્ચે લોકો ભાજપ થી અંતર બનાવી રહયા હોવાનું અને સંગઠનમાં અંદર ખાને નારાજગીની વાતો ઉઠતા ગુજરાતમાં ભાજપને નુકશાન ન થાય તે માટે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ જાતે ચૂંટણીઓને લઇને પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરવી પડી હોય તેવું પ્રથમવાર બન્યું છે,
પીએમ મોદીજીના બે દિવસના ગુજરાતના સત્તાવાર કાર્યક્રમમાં કમલમની બેઠકનો કોઈ ઉલ્લેખ કરાયો ન હતો અને તેઓએ
અચાનક જ કમલમ પર બે કલાક જેટલો સમય વધારી કોર કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી.
આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરની સાથે પણ અલગથી બેઠક કરી હતી અને વાત એવી પણ છે કે સરકાર અને સંઘનો મત શુ છે તે અંગે તેમજ પક્ષમાં સંકલન મુદ્દે મોદીએ રત્નાકર સાથે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ ત્રણ મહિનામાં સારું પરિણામ લાવવા ઉપસ્થિત નેતાઓને કડક સૂચના આપી હોવા સાથે કોર કમિટીના સભ્યોએ મોદીએ લખાવેલાં તમામ મુદ્દાઓ પોતાની નોંધપોથીમાં લખી લીધા હતાં.
આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધવા છતાં ગુજરાતમાં ભાજપના નેતાઓ જનતા સમક્ષ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંગે ખાસ પ્રસાર કેમ કરી રહ્યા નથી તે અંગે મોદીએ સવાલ કર્યો હોવાનું મનાય છે.
કમલમ્ પર કોર કમિટીના સભ્યો સાથે બેઠક કરવા માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ મોદીજી ને કેસરી ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું.
મોદીએ આ ટોપી બેઠક ચાલી ત્યાંથી લઈને તેમણે દિલ્હી જવા માટે પ્રસ્થાન કર્યું ત્યાં સુધી પહેરી રાખી હતી.
આમ,વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ સામે ભાજપના નેતાઓ સંગઠન જાળવી કામે લાગે તેવી સૂચના આપી હોવાનું મનાય રહ્યુ છે.