ઈ.સ. ૧૯૪૨ના આઝાદી આંદોલનના ઈતિહાસના દરિયામાં નડિયાદની ખમીરવંતી ધરાએ આપેલા નવરત્નો ભર્યા છે. ઠેર ઠેર સરકાર વિરુદ્ધ પોસ્ટરો ચોટાડવામાં આવતા અંગ્રેજ પોલીસનો ત્રાસ અને હેવાનિયત માજા મૂકીને ક્રાંતિવીરો ઉપર વરસી રહ્યો હતો અને નિર્દોષ પ્રજા પણ તેના ખપ્પરમાં હોમાતી હતી. લાઠીચાર્જ અને સામાન્ય દમન તો રોજનું બન્યું હતું પરંતુ આ જંગમાં નડિયાદના વીરોએ બહાદુરી પૂર્વક સામનો કરી રંજાળતી પોલીસને પછાડ આપી હતી. શ્રી રમણભાઈ દાવડાવાળા, શ્રી દાદુભાઇ દેસાઈ, શ્રી ચંપકભાઈ શાહ, શ્રી શંકરલાલ પુરોહિત, શ્રી રાવજીભાઈ, શ્રી સેવક લાલ દેસાઈ જેવા અનેક નામો સ્મરણમાં આવી જાય છે. જેમની ભૂમિકા ચળવળમાં મુખ્ય હતી. આ ઉપરાંત શ્રી રણછોડભાઈ શાહ, શ્રી સુંદરલાલ, શ્રી ધીરુભાઈ પટેલ, શ્રી જગુભાઈ દેસાઈ, શ્રી ગોવિંદભાઈ, શ્રી બાલકૃષ્ણ વ્યાસ, શ્રીકૃષ્ણવદન જોશી, શ્રી પુંજાભાઈ પટેલના નામો પણ દેશભક્તિના ઉત્તમ ઉદાહરણ બની જાય તેવા તેમના જીવન કવનો છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

આજના લેખમાં વાત જાણીશું સંત, સાક્ષર અને સરદારની ભૂમિના 

શૂરા શ્રી બાલકૃષ્ણ વ્યાસની. મા ભોમકાજે સર્વસ્વ ન્યોછાવર કરનાર ખેડા જિલ્લાના શૂરવીરો જુદા જુદા ક્ષેત્ર માંથી આવી એક થયા અને શરૂ થઈ આઝાદીની લડત. ઓડમાં વ્યાસ ખડકીમાં રહેતા મોહનલાલ વ્યાસને ખેતીવાડીમાં ઓછી ઉપજ અને પત્ની સાથે ત્રણ સંતાનોનું પરિવાર ચલાવવુ મુશ્કેલ બન્યું ત્યારે નવી રોજગારીની તકો મેળવવા મોહનભાઈ વ્યાસ ગાડામાં બેસી નડિયાદ આવ્યા. ‘મારુ ગાડુ હંકારે હવે મારો રામ’ તેવો ભાવ અને શ્રી સંતરામ મહારાજ ઉપરની શ્રદ્ધાનું બળ ભેગા મળ્યા, પીજ ભાગોળે મકાન ભાડે મળી ગયું અને ઘરને જ દુકાન બનાવી દરજી કામનો વ્યવસાય ચાલું કરી દિધો. મોહનલાલ વ્યાસ અને તેમના પત્ની સુરજબેનની નિષ્ઠા અને પ્રમાણિકતાએ રંગ આપ્યો અને ધંધો સુપેરે ચાલવા લાગ્યો. મોહનભાઈના ઉદગારો હતા કે આ સંતરામ મહારાજની ભૂમિ પર આવ્યા પછી દુઃખના દાડા ગયા લાગે છે. “સુરજ આ દરજીકામથી અને તારા ભરતગુંથણથી ઘરાકી પણ સારી આવે છે” સુરજબેન બળાપો કાઢતા કહે “મારો મોટો દીકરો બાલકૃષ્ણ મોટો થયો પણ આખો દિવસ કસરત અને તોફાન જ, એનાથી થાકી ગઈ છું” પણ મોહનભાઈ કહેતા “મારા ત્રણેય દીકરા બાલકૃષ્ણ, ગોવિંદ અને બલરામને હું દરજીકામ શીખવી દઈશ અને આમે મેં નગર-વાડામાં મોટી દુકાન લેવાનું વિચારી લીધું છે.” આમ નગર વાડામાં દુકાન રાખી મોહનભાઈ વ્યાસે પોતાના મોટા દીકરા બાલકૃષ્ણને સંચાલન સોંપી દીધું, બીજા દીકરા ગોવિંદ અને બલરામને પણ સાથે રાખી સંપીને ધંધો કરવાની શીખ આપી પણ ત્યારે શું ખબર હતી કે આ નગરવાડાની દરજીની દુકાન આઝાદીની ચળવળનું મધ્ય કેન્દ્ર બનવાની હતી. મોહનભાઈ વ્યાસની તબિયત લથડતી હતી અને દવાઓ પણ અસર કરતી ન હતી "વ્યાસ બ્રધર્સ" ના નામે ચાલતી આ દુકાનમાં ત્રણ ભાઈએ ધંધો કર્યો.

આંદોલન તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. બાલકૃષ્ણ વ્યાસમાં દેશભક્તિ ઠસોઠસ ભરી પડી હતી એટલે ક્રાંતિવીરોની બેઠકો આ વ્યાસ બ્રધર્સમાં મળવા લાગી. વ્યાયામવીર બાલકૃષ્ણ વ્યાસે આઝાદી માટે પોતાની લડાયક ટીમ પણ બનાવી અને ગોરા વિરુદ્ધ પ્રવૃત્તિ માટે સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું. બાલકૃષ્ણ વ્યાસની સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓ ખૂબ જ વધી ગઈ. સાથે સાથે ક્રાંતિકારી વિચાર વાળા નાટકો લખવાની જવાબદારી ગોવિંદરામને સોંપવામાં આવી જેથી લોક જુસ્સો ઉભો કરી શકાય. એક અંધારી રાતે ગોરાઓને હંફાવા બોમ્બ બનાવી ફોડવાની યોજના બની. આ યોજના સુરેન્દ્રભાઈ અને બાલકૃષ્ણને સોંપવામાં આવી. આ પ્રવૃત્તિની અસર ધંધા ઉપર ના થાય એટલે શંકરલાલ સાથે મળી સ્ટેશન પાછળ શિવાનંદ સ્વામીના આશ્રમ વાળી જગ્યા મેળવી અને આંદોલને ગતિ પકડી. સભા-સરઘસ, આંદોલન-પત્રિકાઓ છાપી વહેંચવી તે માટે મોહનભાઈ શાહ, બલરામ વ્યાસ અને નટુભાઈ રાણાને જવાબદારી આપી. 

બાલકૃષ્ણ વ્યાસ, સુરેન્દ્રભાઈ, રામભાઈ અને પુંજાભાઈ તથા શંકરલાલને સરકારનો વિરોધ તોડફોડ, લોક જુસ્સો વધારો તથા જાગૃતી ફેલાવવાનું કામ આપવામાં આવ્યું અને સામાજિક પ્રવૃત્તિના નાટકો દ્વારા જન-જાગૃતિ, નવચેતના સંચારની જવાબદારી ગોવિંદરામ વ્યાસ, દેવદાસ પંડ્યા અને ભાનુભાઈ વ્યાસને આપવામાં આવી. ક્રાંતિવીરો ઉપર પોલીસ કેસ થાય, ધરપકડ કે જપ્તીમાંથી છોડાવવા માટેની સેવા ચતુરભાઈ વકીલ અને રમણભાઈ ગાંધીએ સ્વીકારી. નાટકના નામે નિયમિત ભેગા થવું, ચર્ચા કરવી, પ્લાનિંગ કરવું અને સાથે સાથે નાટક કરી લોક જાગૃતિ પણ લાવવી જ. એક વહેલી સવારે ગોરાઓનો વિરોધ કરવા સંતરામ મંદિરેથી રેલી નીકળી બાલકૃષ્ણ વ્યાસ અને સુરેન્દ્રભાઈ ઝંડા લઈને સૌની આગળ અને ‘ભારત માતાકી જય’ ‘વંદે માતરમ’ ના નારાની ગુંજ એટલી પ્રચંડ હતી કે ગોરા અમલદારો સહન ન કરી શક્યા અને લાઠીચાર્જનો હુકમ કરી દીધો અને દેશભક્તો, વીર નડિયાદવાસીઓ ઘવાયા. ફરી આવો પ્રોગ્રામ કર્યો તો ગોળી મારવાની ધમકી સાથે રેલીની જનતાને છોડી દેવામાં આવી. બાલકૃષ્ણને માથામાં લાઠી વાગી હતી લોહી વહેતું હતું. સુરજબા ચિંતા કરતા હતા. ત્યારે બાલકૃષ્ણએ કહ્યું “માં આ તો કશું જ નથી સુભાષચંદ્ર બોઝે કહ્યું છે કે તમે મને લોહી આપો અને હું તમને આઝાદી આપીશ. અને આમેય શુભ કાર્યમાં શ્રીફળ વધેરાય જ ને.” ઈન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ પ્રત્યક્ષ અને પરોક્ષ ટેકો મળ્યો તેથી જ મનસૂબો વધુ મજબૂત બન્યો. સેવાદળના સભ્યો પણ આંદોલનમાં જોડાયા. જોમ જુસ્સાથી બાલકૃષ્ણ બોલ્યા “આ ગોરાઓ સીધી રીતે નહીં માને, આંગળી વાંકી કરવી જ પડશે. આજે હું રાજપીપળા જવાનો છું.” તેમ કહી રાજપીપળા તરફ તે જ રાત્રે પ્રયાણ કર્યું. સગાઓ મારફતે રાજપીપળાના રાજઘરાના સાથે મુલાકાત કરી સુરેન્દ્રભાઈને સાથે રાખી બોમ્બ બનાવવાનો સામાન મેળવ્યો. બોમ્બ બનાવવાની રીત પણ શીખી લીધી અને માનસિક રીતે મજબૂત બની નડિયાદ પરત આવ્યા. આયોજન પ્રમાણે બાલકૃષ્ણએ ઉમરેઠ સામે બોમ્બ ફોડ્યા. આગલી રાત્રે ક્રાંતિવીરોને કહેલા શબ્દો યાદ કરીએ તો ' આઝાદી માત્ર શબ્દની નથી ભારતનો આત્મા છે અને આત્માને જીવતો રાખવો પડશે ભલે આપણે મરવું પડે.” બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ નાટકોના પ્રયોગોના ઓઢા હેઠળ ધમધમતી રહી. બાલકૃષ્ણ અને સુરેન્દ્રભાઈને જેલ થઈ ઘણા ક્રાંતિવીરો ભૂગર્ભમાં જતા રહ્યા.

બાલકૃષ્ણ અને સુરેન્દ્રભાઈને ઉપર બરફની પાટ ઉપર સુવડાવીને માર મારવામાં આવ્યો. અંગ્રેજ અમલદારો હેવાનિયત ઉપર ઉતરી આવ્યા. જે લોકો બોમ્બ બનાવતા હતા તે લોકો ભૂગર્ભમાં જતા રહ્યા. બાકીની કામગીરી મોહનલાલ, બલરામ અને પુંજાભાઈએ સંભાળી. ભૂગર્ભમાં ગયા પછી પણ પ્રવૃત્તિ અટકી નહીં. બાલકૃષ્ણ અને સુરેન્દ્રભાઈને બીજી જેલમાં ખસેડવામાં આવ્યા પણ ક્યાં તે કોઈને ખબર ન પડી. બાલકૃષ્ણની પત્ની સવિતા અને માતા સુરજબેન ઉપર જાણે આભ પડ્યું. ગોવિંદભાઈએ પણ (આ ભાષણ આપતા કહ્યું કે) આ તો ગૌરવ આપનારું કામ છે, મા ભોમની આઝાદી માટે ક્રાંતિકારી પગલું ભર્યું છે સુરજબાએ સવિતાને સમજાવી ત્યારે સવિતા એ કહ્યું “બા તમે તો તમારા પુત્ર માટે રડો છો ને?” ત્યારે મા સુરજબા નો જવાબ હતો “બેટા તમે વિરહમાં રડી રહ્યા છો પણ હું એટલે રડું છું કે મારા ત્રણે દીકરા આઝાદી માટે શહીદ થાય તો બીજા દીકરા ક્યાંથી લાવીશ.” આવી અદભુત અડગ અને ઝોમવેલી માતાઓ વડે નડિયાદ દૈદીપ્યમાન છે. ગોરા અમલદારોએ બધા જ ક્રાંતિકારીના ઘરો ઉપર દરોડા પાડ્યા પણ બોમ્બ બનાવવાનો કોઈ સામાન મળ્યો નહીં. અનેક જુલ્મો વચ્ચે પણ વંદે માતરમના નારા ગાજતા રહ્યા.

 બોમ્બ નાખવાનો ગુનો બાલકૃષ્ણ અને મોહનભાઈએ સ્વીકારી લઈ ગોરાના જૂલ્મથી અન્ય ક્રાંતિવીરોને બચાવી લીધા. ૧૮ મહિનાની સજા બાલકૃષ્ણની થઈ પુરાવાના અભાવે બંનેને છોડી દેવામાં આવ્યા. આજ સમયગાળામાં અડાસમાં ફાયરિંગ કરવામાં આવ્યું અને પાંચ ક્રાંતિવીરો શહીદ થયા. આજે પણ ૧૮ ઓગસ્ટના દિવસે આપણે તેઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. 

દેશ આઝાદ થયો પણ જેલવાસ અને ગોરાઓના અત્યાચારથી હાડકા ખોખરા અને ટીબીની બીમારીથી બાલકૃષ્ણ પીડાયા. ગોવિંદ રામને કેન્સરની બીમારી લાગુ પડી અને બલરામને શ્વાસનું દર્દ ભોગવ્યું. પણ આ પરિવાર આઝાદીના અમૃત મહોત્સવના ઇતિહાસમાં નામાંકિત કરતો ગયો નડિયાદના સપૂતોને સો સો સલામ.આલેખન – શ્રી વિનુભાઈ સુથાર