મૂલ્ય શિક્ષણ, ટકાઉ વિકાસ અને જીવન કૌશલ્યના વિકાસ અભ્યાસ સંદર્ભે લોકભારતી સણોસરા અને આત્મીય રાજકોટ વચ્ચે શિક્ષણ સબંધી સમજૂતી કરાર શૈક્ષણિક ક્ષેત્રે ગોહિલવાડના ગૌરવ સમાન લોકભારતી સાથે હવે ખાનગી યુનિવર્સિટીનો ઉમેરો થયો છે, જેમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટી સાથે શિક્ષણ કરાર થયાં છે. મૂલ્ય શિક્ષણ, ટકાઉ વિકાસ અને જીવન કૌશલ્યના વિકાસ અભ્યાસ સંદર્ભે લોકભારતી યુનિવર્સિટી સણોસરા ખાતે મુખ્ય સંચાલક અધિકારીઓએ અરસ-પરસ પોતાના વિદ્યાર્થીઓ માટે વધુ શૈક્ષણિક અવકાશ પ્રાપ્ત થયાનો આનંદ વ્યક્ત કરી શૈક્ષણિક આદાન પ્રદાન માટે સમજૂતી કરાર કર્યા છે. લોકભારતી યુનિવર્સિટીના વડાશ્રી ભદ્રાયુ વછરાજાની સાથે શ્રી રાજેન્દ્ર ચોટલિયા અને આત્મીય યુનિવર્સિટીના વડાશ્રી શિવ ત્રિપાઠી સાથે શ્રી દેવાંગ વ્યાસ દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. લોકભારતી યુનિવર્સિટીના શ્રી વિશાલભાઈ ભાદાણી દ્વારા આ બેઠક સંચાલનમાં આત્મીય યુનિવર્સિટીના શ્રી ઘનશ્યામ આચાર્ય અને લોકભારતી વિદ્યાપીઠના અગ્રણી શ્રી પ્રશાંત ભટ્ટ તથા નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિએ બંને સંસ્થાઓના શિક્ષણ કરાર પરત્વે આનંદ વ્યક્ત કર્યો હતો.