યુક્રેન ઉપર રશિયાએ હુમલો કરતા ત્યાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ ઉપર લાગી ગયું છે.
યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળતા ભારત પરત ફરેલા 20 હજાર મેડિકલ છાત્રોનું ભાવિ જોખમમાં મુકાયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે ગતરોજ મંગળવારે રાજ્યસભામાં સ્પષ્ટ કર્યુ હતું કે વિદેશમાં અભ્યાસ કરતા છાત્રોનો ‘સ્ક્રીનિંગ ટેસ્ટ વિનિમય -2002 ‘ તેમજ વિદેશી ચિકિત્સા સ્નાતક લાઇસન્સ વિનિમય-2021 ‘ અંતર્ગત સમાવેશ થાય છે.

ભારતીય ચિકિત્સા પરિષદ અધિનિયમ- 1956 અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ અધિનિયમ- 2019 અન્વયે વિદેશમાં અભ્યાસ કરતા કોઇ પણ મેડિકલ છાત્રનો દેશની કોલેજોમાં સમાવેશ કરી શકાયનહીં .તેથી,યુક્રેનથી પરત આવેલા કોઇ પણ ભારતીય છાત્રને દેશની શૈક્ષણિક સંસ્થામાં સમાવવા મંજૂરી નથી આપવામાં આવી.
ભારતીય દૂતાવાસ છાત્રોની મદદ કરી રહ્યું છે. દૂતાવાસની મદદથી યુક્રેનની તમામ મેડિકલ યુનિવર્સિટી – કોલેજોનો સંપર્ક કરી અભ્યાસની સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

જોકે, ભારતીય વિદ્યાર્થીઓ શામાટે યુક્રેન અભ્યાસ માટે જવું પડે છે તેના કારણોમાં દેશની સરકારી મેડિકલ કોલેજોમાં માત્ર પસંદગીના વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે, બાકીના વિદ્યાર્થીઓ માટે ખાનગી કોલેજોનો વિકલ્પ છે, પરંતુ આ કોલેજોમાં અભ્યાસનો ખર્ચ રૂ 50 લાખથી રૂ 1 કરોડ સુધીનો હોય છે જયારે યુક્રેનમાંએમબીબીએસનો અભ્યાસ 20 થી 22 લાખમાં જ થાય છે. જ્યારે આપણા દેશમાં એક કરોડ રૂપિયા પણ ખર્ચાય છે,વળી યુક્રેનમાં અભ્યાસ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ત્યાંની મેડિકલ ડિગ્રી ભારતમાં તેમજ WHO, યુરોપ અને બ્રિટનમાં માન્ય છે. યુક્રેનના તબીબી વિદ્યાર્થીઓ વિશ્વના કોઈપણ ભાગમાં પ્રેક્ટિસ કરી શકે છે.

બીજું કે ભારતમાં મેડિકલ અભ્યાસ માટે ઘણી હરીફાઈ છે. દેશમાં મેડિકલની એક લાખ બેઠકો માટે 17 લાખ વિદ્યાર્થીઓ અરજી કરે છે. તેમાંથી 16 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી. ભારતમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી કોલેજોમાં એડમિશન લેવા માંગે છે, પરંતુ આ કોલેજોની મેરિટ લિસ્ટમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ આવતા હોય ન છૂટકે મેડીકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા જાય છે પણ યુદ્ધ થતા હવે તેઓ અટવાઈ ગયા છે.