મહીસાગર રાજપૂત મહિલા સંગઠનના પૂર્વ મંત્રી અને હાલ સલાહકાર અને લુણાવાડા નગરના ઘાંટી વિસ્તારમાં રહેતા રિચાકુંવરબા સંદીપસિંહ પુવારનું કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સિટ પર બેસવાનું સ્વપ્ન જોયેલું તે આખરે તેમની ધગશ તેમજ અવિરત આ દિશામાં પ્રયાસ અને મહેનતને લીધે સાકાર થયું છે. મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગરના ઘાંટી વિસ્તારના સંદીપસિંહ પુવારના ધર્મપત્ની ગૃહિણી રિચાકુંવરબા સોની ટીવી પર આવતા મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રસિધ્ધ ક્વિઝ શો 'કોન બનેગા કરોડપતિ' માં સફળ થવા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસરત હતા, તેમાં ભાગ લઈને અનેક પ્રારંભિક અને ફાઇનલ સિલેકશન રાઉન્ડમાં ક્વોલીફાય કર્યા બાદ તેઓ કેબીસીની હોટસીટ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. અને અમિતાભ બચ્ચન જોડે રૂબરૂ KBC ક્વિઝ રમવાની ગૌરવશાળી તક મળી છે. 'કોન બનેગા કરોડપતિ'નો આ એપિસોડ ૧૯ ઓગસ્ટ શુક્રવાર રાત્રે ૯ વાગે સોની ટીવી પર પ્રસારિત થનાર છે. ત્યારે આ એપિસોડ નિહાળવા અત્યારથી જ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તક મેળવવા બદલ સૌએ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. અત્રે નોંધનીય છે કે વ્યવસાયે ગૃહિણી એવા રિચાકુંવરબા મૂળ મધ્યપ્રદેશના રતલામ પાસે આવેલ પંચેડ થીકાનાના વતની છે. રાજસ્થાનની સુખાડીયા યુનિવર્સિટી થી અંગ્રેજી સાહિત્ય સાથે B.A.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓના લગ્ન લુણાવાડાના ઘાંટી વિસ્તારના પુવાર ફેમિલીમાં થયાં હોઈ છેલ્લા ૧૯ વર્ષથી લુણાવાડા નગરમાં સ્થાયી થયા છે. સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહે છે.