ગુજરાતમાં ગેસની કિંમતોમાં અચાનક અદાણી અને ટોરેન્ટ ગેસે CNGના ભાવમાં ઘટાડો જાહેર કરતા લોકોમાં તહેવારોમાં રાહતની લાગણી પ્રસરી છે અને ગેસ પુરાવવા લોકોએ પંપ તરફ દોટ મૂકી છે.
અદાણી ગેસે CNGમાં 3.48 રૂપિયા ઘટાડ્યા છે, જ્યારે અગાઉ 4 ઓગસ્ટે 1.49 અને 2જી ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ભાવમાં ઘટાડો કરવાથી નવો ભાવ 83.90 રૂપિયા આજથી અમલી થયો છે. અદાણી સિવાય ટોરેન્ટ ગેસ દ્વારા પણ CNG અને PNGમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

અદાણી દ્વારા ઘટાડવામાં આવેલો આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અદાણી CNGનો ભાવ વધારતાં પ્રતિ કિલોએ રૂપિયા 87.38 પર પહોંચ્યો હતો. CNGનો ભાવ 83.90 રૂપિયા હતો એ બીજી ઓગસ્ટે વધીને 85.89 રૂપિયા થયો હતો. જ્યારે બે દિવસના સમયમાં જ ફરીવાર 1.49 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. સતત આ પ્રકારના ભાવવધારાને કારણે ગાડીમાં CNG કીટ ફિટ કરાવનારા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઈ લોકો પહેલેથી જ હેરાન હતા અને ગેસ કીટ તરફ વળ્યા પરંતુ તેમાં પણ ભાવ વધતા લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા પણ હવે ફરીવાર ગેસ ના ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહતની લાગણી ફેલાઇ ગઇ છે.