ડીસા નું ગૌરવ, ૨૩ ગોલ્ડ મેડલ વિજેતા સીતાબેન ગેલોત નું બાલોતરા જિલ્લા કલેક્ટરના હસ્તે બહુમાન..

રાજસ્થાનની દીકરી અને ડીસા સાથે વર્ષોનો અતૂટ નાતો ધરાવતા સીતાબેન મનોજભાઈ ગેલોતે માળી ઠાણી નેવાઈ પચપદરા રમતગમત ક્ષેત્રે રાજ્ય સ્તરે ૨૩ ગોલ્ડ મેડલ જીતીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે રાજસ્થાન બાલોતરા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સીતાબેનનું જાહેર મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. આ ક્ષણ માત્ર ગેલોત પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને ડીસા શહેર માટે પણ અત્યંત ગૌરવની છે..

સંઘર્ષ અને સિદ્ધિનો સંગમ:

સીતાબેનના પતિ, મનોજભાઈ ગેલોત વર્ષો સુધી ડીસામાં 'જાણીતી રામદેવ રેસ્ટોરન્ટ હોટલ' ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ડીસામાં રહીને કરેલી મહેનત અને ત્યારબાદ પોતાના માતૃવતનમાં સ્થાયી થયા પછી પણ રમતગમત પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખી સીતાબેને આ ભવ્ય સફળતા મેળવી છે. મનોજભાઈના સાથ અને સીતાબેનની અવિરત મહેનતનું પરિણામ આજે ૨૩ સુવર્ણ ચંદ્રકોના રૂપમાં જોવા મળી રહ્યું છે..

પ્રેરણાનો સ્ત્રોત:

એક ગૃહિણી હોવાની સાથે સાથે રમતગમતના મેદાનમાં ઉતરીને રાજ્ય કક્ષાએ આટલી મોટી સંખ્યામાં મેડલ જીતવા એ દીકરીઓ અને મહિલાઓ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં તેઓ પોતાના વતન ખાતે સ્થાયી થયા છે, પરંતુ તેમની આ સિદ્ધિના સમાચારથી ડીસાના ખેલપ્રેમીઓ અને નગરજનોમાં પણ ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.

સીતાબેનની આ સિદ્ધિ બદલ ઠેર-ઠેરથી તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે. ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય ફલક પર પણ આવી જ સિદ્ધિઓ હાંસલ કરે તેવી સમગ્ર સમાજ આશા સેવી રહ્યો છે. વિનોદ બાડીવાલા ડીસા