અમદાવાદઃ અમદાવાદમાં સાઇબર ગઠિયાઓએ ફરી એકવાર સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાઇબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને ખોટી પોલીસ અને ATS અધિકારીની ઓળખ આપી ડરાવવામાં આવ્યા હતા. દિલ્હી બ્લાસ્ટ કેસમાં તેઓ સંડોવાયેલા હોવાનું કહી રૂ. 99 હજાર પડાવવામાં આવ્યા છે. તો બીજી તરફ દરિયાપુર વિસ્તારમાં યુવકનો મોબાઇલ હેક કરીને સાઇબર ગઠિયાઓએ ક્રેડિટ કાર્ડથી અલગ અલગ ખરીદી કરી રૂ. 65 હજારની ઠગાઈ આચરી છે. બંને ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં એરેસ્ટ કરવાની ધમકી
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ સાથે સાઇબર ઠગીયાઓએ છેતરપિંડી આચરી છે. 8 જાન્યુઆરીએ વૃદ્ધને અજાણ્યા નંબર પરથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ પોતે ATSમાં SP હોવાની ખોટી ઓળખ આપી હતી. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા હોવાનું કહીને વૃદ્ધને ડરાવવામાં આવ્યા હતા. સિમકાર્ડ, પાસબુક સહિતની વસ્તુઓનો દિલ્હી બ્લાસ્ટ કેસમાં ઉપયોગ થયો હોય તેવાની વૃદ્ધને એરેસ્ટ કરવાની ધમકી અપાઈ હતી. તેમજ આતંકીઓએ રૂ. 80 લાખ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું કહી વૃદ્ધને વધુ ડરાવાયા હતા.