જૂનાગઢઃ પોલીસે નકલી સોનું પધરાવી સોની વેપારીઓને છેતરતા બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે. આ આરોપી દંપતી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના લઈને બાદ તેમને સોનાનું વરખ ચડાવેલા પંચધાતુના દાગીના પધરાવી દેતું હતું. આરોપી દંપતી સામે 15 રાજ્યોનાં 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક શખ્સ દ્વારા ચલાવાતું હતું.
શું છે સમગ્ર મામલો?
કેશોદના સોનીબજારમાં આવેલી ‘પાલા પ્રિયમ જ્વેલર્સ’ના માલિક નરેન્દ્ર પાલાએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવતાં કહ્યું કે, તેમની દુકાને એક કપલ આવ્યું હતું. દેખાવમાં બંગાળી લાગતાં આ દંપતીએ દાગીના પસંદ કરી પોતાની પાસે રહેલો એક હાર આપી અમને કહ્યું હતું કે, ‘આ હાર તમે અત્યારે રાખો, પણ તેને ભાંગતા નહીં, અમે 2 દિવસમાં બાકીના પૈસા ટ્રાન્સફર કરી અમારો હાર લઈ જઈશું.’
નકલી હાર પધરાવી રોકડ અને અસલી દાગીના લૂંટ્યા
આ કપલે ચાલાકીપૂર્વક વેપારી પાસેથી રૂ. 2.62 લાખની બે સોનાના ચેઇન અને ઉપરથી રૂ. 22 હજાર રોકડા મેળવી લીધા હતા. આમ કુલ રૂ. 2.85 લાખનો ચૂનો લગાવી તેઓ પલાયન થઈ ગયાં હતાં. વેપારીને શંકા જતાં તેમણે હારની તપાસ કરી તો તે નકલી માલૂમ પડ્યો હતો. આરોપીઓએ આપેલા મોબાઇલ નંબર સ્વિચ ઓફ આવતાં વેપારીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં એક સીસીટીવીમાં આ કપલ કેદ થઈ જતાં તપાસ હાથ ધરાઈ છે.
30 ગ્રામના હાર પર 10 ગ્રામ સોનાનું વરખ ચડાવતા
જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ 30 ગ્રામનો એવો હાર બનાવતા હતા, જેમાં 20 ગ્રામ પંચધાતુ હોય અને તેના પર પોટાશ કેમિકલનો ઉપયોગ કરી 10 ગ્રામ સોનાનું વરખ ચડાવાતું હતું. આ રીતે તેઓ વેપારીઓને છેતરીને તેમની પાસેથી શુદ્ધ સોનાના દાગીના પડાવી લેતા હતા.
દંપતીએ 15 રાજ્યના 56 શહેરના સોનીઓને નકલી સોનું પધરાવ્યું