રાજકોટઃ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટમાં 22 જાન્યુઆરીએ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ભાજપ સરકાર અને વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમય બાદ કોંગ્રેસના તમામ અગ્રણીઓ એકમંચ પર જોવા મળ્યા હતા અને મતદાર યાદીમાં સુધારણાના નામે સત્તાધારી પક્ષ દ્વારા કરાતી કથિત ગેરરીતિ સામે ભારે સૂત્રોચ્ચાર કરી ધરણાં પ્રદર્શન યોજ્યાં હતાં.
એક તરફ કલેક્ટર કચેરીમાં અધિકારીઓની મહત્ત્વની બેઠક ચાલી રહી હતી, બીજી તરફ કોંગ્રેસે  નારા લગાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ ભાજપ સરકાર અને કલેક્ટરને ‘સદબુદ્ધિ’ મળે તે માટે કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન પણ બોલાવી હતી.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદના કેન્દ્રમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત ભરાયેલા ફોર્મ નં. 7 છે. કોંગ્રેસનો આરોપ છે કે 19 ડિસેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદી બાદ વાંધા અને નામ કમી કરવા માટે છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2026 હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે 16થી 18 જાન્યુઆરી એમ માત્ર 3 દિવસમાં જ હજારોની સંખ્યામાં ફોર્મ નં. 7 (નામ કમી કરવા માટેનાં વાંધા ફોર્મ) રજૂ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે એઆરઓ (ARO) કચેરીમાં એકસાથે 500, 1000 કે 2000 થી લઈને 10,000 જેટલાં ફોર્મ બલ્કમાં અપલોડ કરાયાં છે. જેના પાછળ સત્તાધારી પક્ષનો સુનિયોજિત બદઈરાદો હોવાનું કોંગ્રેસ માની રહી છે.