રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ બ્રિજ પર તિરાડોના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં વિકાસના નામે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાતા બ્રિજ હવે જોખમી સાબિત થઈ રહ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત ગોંડલ ચોકડી ઓવરબ્રિજ પર પડેલી વિશાળ તિરાડો અને જર્જરિત પોપડાના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની દહેશત આમ આદમી પાર્ટીએ વ્યક્ત કરી છે. આ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી આમ આદમી પાર્ટીનાં મહિલા નેતા શીતલબહેને PMએ આ બ્રિજની મુલાકાત લેવાની જરૂર હતી તેમ જણાવ્યું હતું.
બ્રિજ પર 4 ઈંચની તિરાડ
રાજકોટની ગોંડલ ચોકડી પાસેનો એલિવેટેડ બ્રિજનું નિર્માણ વર્ષ 2023માં કરાયું હતું. તે અત્યારે મોતનો બ્રિજ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. આશરે રૂ. 90 કરોડના ખર્ચે તૈયાર થેયલા આ સિક્સ લેન બ્રિજની લંબાઈ 1.2 કિ.મી. છે. આ બ્રિજ અમદાવાદથી સોમનાથ કે પોરબંદર જતા હજારો મુસાફરો માટે મુખ્ય રસ્તો છે. જો કે આટલો ખર્ચ કરવા છતાં બ્રિજના બંને જોઇન્ટ વચ્ચે 4 ઈંચ જેટલી મોટી તિરાડ પડી ગઈ છે, જેમાં હાથ પણ આરામથી જઈ શકે છે.
બ્રિજના સળિયા દેખાયા
આમ આદમી પાર્ટીનાં મહિલા નેતા શીતલબહેન ગોહેલે જણાવ્યું હતું કે, આ બ્રિજ બન્યો ત્યારે પણ ભ્રષ્ટાચારની વાતો સામે આવી હતી, જે આજે સાચી સાબિત થઈ રહી છે. આ બ્રિજના જોઇન્ટ વચ્ચે 4 ઈંચની તિરાડ પડી છે અને અમુક જગ્યાએ મોટાં પોપડાં ઉખડી ગયાં છે. બ્રિજની અંદર સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. બ્રિજનો કેટલોક ભાગ એક તરફ નમી રહ્યો હોય તેવું પણ સ્પષ્ટ જણાઈ આવે છે.