ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનર ફિલીપ ગ્રીનની સૌજન્ય મુલાકાત દરમિયાન રમતગમત, ઓલિમ્પિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સહકારને લઈને વ્યાપક ચર્ચા થઈ. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ઓલિમ્પિક ગેમ્સ માટે વિકસાવાતી સુવિધાઓનો લાંબા ગાળે સસ્ટેનેબલ ઉપયોગ કરવા ઓસ્ટ્રેલિયાના અનુભવ અને જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી.
ઓસ્ટ્રેલિયાનું મોડેલ ગુજરાત માટે માર્ગદર્શક
વર્ષ 2032માં બ્રિસ્બેનમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયામાં થતી તૈયારી અંગે વિગતવાર વિચાર-વિમર્શ થયો. રમતો બાદ સ્પોર્ટ્સ વિલેજ, આવાસ અને અન્ય સુવિધાનો સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ ઇવેન્ટ્સ માટે ઉપયોગ કેવી રીતે થાય તે અંગે ઓસ્ટ્રેલિયાનું મોડેલ ગુજરાત માટે માર્ગદર્શક બની શકે તેમ હોવાનું ચર્ચાયું હતું.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની તાલીમ પદ્ધતિની પ્રશંસા
ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનર ગ્રીને બ્રિસ્બેનમાં ચાલતી ઓલિમ્પિક તૈયારીના નિરીક્ષણ માટે ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળને ઓસ્ટ્રેલિયા આવવા આમંત્રણ આપ્યું. સ્વિમિંગ, પેરા એથ્લેટિક્સ અને હાઇ પર્ફોર્મન્સ સેન્ટર્સમાં ઉચ્ચસ્તરીય તાલીમ માટે ઓસ્ટ્રેલિયા સહકાર આપવા ઇચ્છુક હોવાનું પણ તેમણે જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ક્ષમતા અને તાલીમ પદ્ધતિની પ્રશંસા કરી અને વર્ષ 2036 ઓલિમ્પિકમાં ગુજરાત તથા દેશના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે સહિયારા પ્રયાસોની અપેક્ષા વ્યક્ત કરી.
અલગ ઇકોસિસ્ટમ વિકસાવવાની પણ ચર્ચા
આ બેઠકમાં ગિફ્ટ સિટીમાં કાર્યરત્ ડિકન યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ રિસર્ચ અને સ્પોર્ટ્સ બિઝનેસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરીને અલગ ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના અંગે પણ ચર્ચા થઈ. માર્ચ-2026માં યોજાનારા ડિકન યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપવા મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતની પ્રગતિથી ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનર પ્રભાવિત થયા હતા.
ઓસ્ટ્રેલિયા પણ ઉત્સુક
ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનર ફિલીપ ગ્રીને રિન્યૂએબલ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઓસ્ટ્રેલિયાની એક્સપર્ટિઝ ગુજરાતને ઉપલબ્ધ કરાવવા ઉત્સુકતા દર્શાવી. જેના માટે ફિલિપે ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળને ઓસ્ટ્રેલિયા આવવા આમંત્રણ આપ્યું.