ડીસામાંથી એલસીબીની ટીમે આજે બે ઘરફોડ ચોરને ઝડપી પાડ્યા હતા. ચોરી કરેલો ઇલેક્ટ્રોનિક સામાન સસ્તા ભાવે વેચવા જતા પોલીસે બંને ચોરને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસામાંથી આજે વધુ બે ઘરફોડ ચોર પકડાયા હોવાની ઘટના સામે આવી છે. જિલ્લા એલસીબીની ટીમ આજે ડીસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે સદરપુર ગામના બે શખ્સો એલઇડી ટીવી અને હોમ થિયેટર સહિતનો માલસામાન સસ્તા ભાવે વેચવા માટે ફરી રહ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસે તપાસ કરતા સુરજ સિંહ સોલંકી અને મેતુસિંગ સોલંકીને પકડીને પૂછપરછ કરતા તેઓએ ચોરીનો મુદ્દામાલ વેચવા ફરતા હોવાની કબૂલાત કરી હતી.
ચોરી કરી હોવાની કબૂલાત કરતા જ એલસીબીની ટીમે બંને શખ્સોની અટકાયત કરી હતી અને તેમના ઘરે જઈ તપાસ કરતા ત્યાંથી અલગ અલગ કંપનીના 10 એલઇડી ટીવી અને 3 હોમ થિયેટર સહિત એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને શખ્સોની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.