હિંમતનગર: ( રાહુલ પ્રજાપતિ)

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે સીઝનેબલ ફટાકડાનો વ્યવસાય કરતા હોલસેલ અને છુટક વેપારીઓએ અગાઉથી ફટાકડા મંગાવીને સ્થાનિક વેપારીઓને વેચવાનું શરૂ કર્યું છે ત્યારે રાજ્યના જીએસટી વિભાગ ધ્વારા રાજ્યવ્યાપી પ્રાઈસ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાયું હતુ. તેમાં જીએસટીની ટીમે શુક્રવારે હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં આવેલા ફટાકડાના ગોડાઉન તથા વેપારીઓ મળી ત્રણથી વધુ સ્થળે જઈ ચેકિંગ કર્યું હતુ.

જીએસટીની રાજ્યવ્યાપી પ્રાઈસ ચેકિંગ ડ્રાઈવના ભાગરૂપે શુક્રવારે સવારથી જ હિંમતનગર શહેર તથા શહેર બહાર આવેલ ફટાકડાના ગોડાઉનમાં જઈ જીએસટીની ટીમે વિવિધ પ્રકારના ફટાકડાના પેકિંગ પરની ખરીદી અને વેચાણની વિગતોની ચકાસણી કરી હતી. જોકે ડ્રાઈવ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએથી હવે પછી વિગતો જાહેર કરવામાં આવશે તેવું આધારભૂત સુત્રોમાંથી જણાવાયું છે.

બીજી તરફ સીઝનેબલ વ્યવસાય તરીકે ઓળખાતા ફટાકડાના વેચાણ કરતા વેપારીઓ પણ અનેકગણો નફો ચઢાવીને આ ફટાકડા છુટક વેપારીઓ મારફતે ગ્રાહકોને વેચાણ કરે છે ત્યારે આગામી સમયમાં દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ જીએસટી વિભાગ ધ્વારા વધુ તપાસ કરવામાં આવે તેવું વેપારી વર્ગમાં ચર્ચા શરૂ થઈ છે. હાલ તો હિંમતનગર સહીત જિલ્લાના વિવિધ સ્થળે લારીઓ અથવા તો દુકાનોમાં વેપારીઓ હોલસેલ વેપારીઓ પાસેથી જરૂરીયાત મુજબ ફટાકડા મંગાવીને વેપાર કરી રહ્યા છે.