ડીસાના છત્રાલા નજીક બનાસ નદીમાં રેતી ખનન કરતાં પાંચ હિટાચી મશીન અને ત્રણ ડમ્પર કબ્જે લેવાયા હતા. ભૂસ્તર વિભાગની ટીમે વહેલી પરોઢે ખાનગી વાહનમાં ઓપરેશન પાર પાડ્યું હતું. જ્યાંથી રૂ. 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસ અને સીપુ નદીમાંથી ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા રેતી ખનન કરવામાં આવતું હોઇ બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરૂપ્રિતસિંહ સારસ્વાએ ટીમ સાથે ગુરૂવારે વહેલી પરોઢે ખાનગી વાહનમાં ઓચિંતી તપાસ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અલગ-અલગ ટીમો બનાવી નદી વિસ્તારમાં ચેકિંગ કરતા પાંચ હિટાચી મશીન ગેરકાયદેસર ખનન કરતાં ઝડપી લેવાયા હતા તેમજ સાદી રેતી ભરવા આવેલા ત્રણ ડમ્પર પણ કબ્જે લેવાયા હતા. રૂ. 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
હવે માપણી કરી દંડની વસુલાત કરવામાં આવશે. છેલ્લા પાંચ દિવસમાં ત્રીજુ ઓપરેશન કરાયું છે. ખનીજ ચોરીને અટકાવવા આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે.