સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત – ૨૦૨૫
અમરેલી શહેરમાં ૧૨ સ્થળોએ યોગ કક્ષાનો લાભ નિ:શુલ્ક.
યોગ કરવાની સાથે સ્વસ્થ જીવનશૈલી માટે થઈ નગરજનો રહ્યા છે પ્રેરિત.
મેદસ્વિતા ઘણા રોગોને આમંત્રણ આપે છે, ત્યારે સ્થૂળતા ઘટાડવામાં યોગ કારગર : યોગ નિષ્ણાંત ડૉ. નિકિતા પંડ્યા.
નાગરિકોને નિ:શુલ્ક યોગ કક્ષા (અભ્યાસ)નો લાભ મળી શકે તે માટે અમરેલી શહેરમાં ૧૨ સ્થળોએ વિવિધ યોગ નિષ્ણાંત સેવા આપી રહ્યા છે, સાથો સાથ નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકારે પણ લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે સાથે જ વિવિધ પ્રકારની બિમારીઓથી બચે તે માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન રાજય સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યું છે.
આ અભિયાનને આવકારતા અમરેલી ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં યોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા નેચરોથેરાપિસ્ટ એવા ડૉ. નિકિતા પંડ્યા કહે છે કે, અમરેલી શહેર અને જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટિફાઇડ યોગ ટ્રેનર્સ દ્વારા પણ નિ:શુલ્ક યોગ અભ્યાસ ચલાવવામાં આવે છે. જેમાં યોગ ઉપરાંત ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને લાઈફ સ્ટાઈલને લગતા વિવિધ ડિસઓર્ડર્સ હોય તેવા કિસ્સાઓમાં વ્યક્તિએ શું કરવાનું તે વિશે સમજાવી તે માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે.
મેદસ્વિતા,ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, મનોરોગ જેવા વિવિધ રોગો પર આ થેરાથી વધુ અસરકારક સાબિત થઈ રહી છે. તેમણે કહ્યું કે, મોટાપો એટલે કે મેદસ્વિતા ઘણા બધા રોગોને નિમંત્રણ આપે છે, ત્યારે લોકોની મેદસ્વિતા ઘટાડવામાં યોગ પણ ખૂબ કારગર છે. હાલ નાગરિકોના સ્વાસ્થ્ય માટે કેન્દ્ર - રાજ્ય સરકાર દ્વારા આયુષ મંત્રાલય દ્વારા પ્રત્યેક જિલ્લાઓમાં જિલ્લા મથક પર આયુષ કલ્યાણ કેન્દ્ર પર યોગ નિષ્ણાંતો દ્વારા રોગાનુસાર યોગા અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે.
તેમણે નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી માટે નિયમિત રીતે યોગાસન, પ્રાણાયામ, ધ્યાનને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે અનુરોધ કર્યો હતો.
ડૉ.નિકિતા પંડ્યાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપી છે, હાલમાં તેઓ નિયમિત રીતે આયુર્વેદ હોસ્પિટલ ખાતે મેદસ્વિતા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મનો રોગ વિવિધ રોગ અનુસાર યોગાસન, પ્રાણાયામ, ધ્યાનનો અભ્યાસ કરાવી રહ્યા છે.
આ સાથે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા અનુસાર પ્રાકૃતિક આહાર પદ્ધતિ, સ્વસ્થ વૃત મુજબ દિનચર્યા, ઋતુચર્યા વિશે પણ માર્ગદર્શન આપી રહ્યાં છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિર્દેશ અનુસાર અમરેલી શહેરના ગાંધીબાગ, ટ્રેઝરી ઓફિસ પાછળ, મોહન નગર લાઠી રોડ, ગંગા વિહાર સોસાયટી લાઠી રોડ, સુખનાથ પરા, કે.કે. પાર્ક લાઠી રોડ, હરીવિહાર સોસાયટી, લીલીયા રોડ અને જેસીંગપરા સહિત વિવિધ વિસ્તારોમાં ૧૨ જેટલા નિ:શુલ્ક યોગ અભ્યાસ કેન્દ્રો કાર્યરત છે.
વીરજી શિયાળ