ડીસા સિવિલમાં ગુરૂવારે રાત્રે યુવકના મોત બાદ પરિવારજનોએ ભારે હંગામો મચાવી દીકરાની લાશ લેવાનો ઇન્કાર કરી રોડ પર વચ્ચોવચ મૂકી દીધી હતી. ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી.
દાંતીવાડા તાલુકાના ગોઢ ગામનો ગણપતભાઇ ભગવાનભાઇ પરમાર (ઉં.વ.આ. 25) ચતરવારીડા ખેતરમાં કામ કરતો હતો. તે દરમિયાન ભૂલથી પાણીના બદલે જંતુનાશક દવા પી લેતાં તેને ઝેરની અસર થતાં તુરંત 108 માં ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જ્યાં તબિયત વધુ લથડતાં પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં વધુ સારવાર માટે પાલનપુર લઇ જવા કહ્યું અને પરિવારજનો પાલનપુર લઇ જતાં ત્યાં રસ્તામાં દમ તોડી દીધો હતો. આથી યુવકની સાથે રહેલા પાંચથી છ પરિવારના સભ્યો ફરી ડીસા સિવિલ હોસ્પિટલ આવી સ્ટાફની લાપરવાહીના લીધે યુવકનું મોત થયું હોવાનું જણાવી ભારે હંગામો મચાવ્યો હતો. યુવકની લાશ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસે મામલો થાળે પાડવાની કોશિશ કરતાં સભ્યો વધુ ઉશ્કેરાઇ લાશને લઇને રોડ પર મૂકી દીધી હતી. પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
આ અંગે ડીસા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન તબીબ સ્વામિનારાયણએ જણાવ્યું હતું કે, યુવકને ઝેરી દવા પીધેલી હાલતમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં સારવાર કરતાં અગાઉ તેઓના સબંધી ચાલતા સંડાસ કરવા લઇ ગયા હતા. ત્યારબાદ આવીને સારવાર શરૂ થાય તે અગાઉ ખેંચ આવતાં બેભાન થઇ ગયા હતા.જેથી તેઓને કોઇ પ્રાઇવેટ ડોક્ટરના કહેવાથી સબંધીઓએ પાલનપુર ખાનગી હોસ્પિટલમાં લઇ જવા રવાના થયા હતા.જોકે, રસ્તામાં તેમનું મોત થતાં તેઓ પરત ડીસા સિવિલ હોસ્પિટલમાં આવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે હંગામો કર્યો હતો.
આ અંગે પરિવારજનો પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ગણપતભાઇ ખેતરમાં દવા છાંટતા હતા ત્યારે તરસ લાગતાં પાણીની જગ્યાએ જંતુનાશક દવા પી જતાં તેને વોમીટ થતાં તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, ડીસા સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી ન હતી.