દાંતીવાડા તાલુકાના ભીલડા ગામનો યુવક પોતાની રીક્ષા લઇને ડીસાથી ઘેર ભીલડા જઇ રહ્યો હતો ત્યારે કંસારી નજીક રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી સામેથી આવતાં ટ્રકની ટક્કરથી રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રીક્ષામાં સવાર બે પેસેન્જર ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તોને ડીસા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો.
દાંતીવાડા તાલુકાના ભીલડા ગામનો સંજયભાઇ રમેશભાઇ કોળી મંગળવારે રીક્ષા નં. જીજે-08-એવી-8234 લઇને પેસેન્જર ભરી ડીસા ગયો હતો. સાંજે પરત ફરતી વખતે કંસારી ગામની સીમમાં હાઇવે પર રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.
તે દરમિયાન સામેથી આવતાં ટ્રક નં. આરજે-14-જીપી-4831 ના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી.જેથી અકસ્માતમાં ચાલક સંજયભાઇ રમેશભાઇ કોળીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રીક્ષામાં સવાર વિશાલભાઇ ભુરાભાઇ કોળી અને જસવંતભાઇ જેફરાજી કોળીને ગંભીર ઇજાઓ થતાં ડીસા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુર રીફર કરાયા હતા.
ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક મૂકીને નાસી ગયો હતો. મૃતકના પિતા રમેશભાઇ ડામરાભાઇ કોળીએ મંગળવારે ટ્રક ચાલક સામે ડીસા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.