ડીસામાં જલીયાણા કોમ્પ્લેક્ષમાં સ્પામાં ચાર શખ્સો તલવાર, ધોકા અને લોખંડની પાઇપ સાથે ઘૂસી આવી યુવક ઉપર હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે અંકુરે કાન્તિલાલ મંડોરા (માળી) દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ડીસાના જલીયાણા કોમ્પ્લેક્ષમાં આવેલા બ્લુ સ્કાય રીલેક્સ સ્પામાં સોમવારે રાત્રે આઠ વાગ્યે તલવાર, ધોકા અને લોખંડની પાઇપ સાથે ઘૂસી આવી રાયમલસિંહ બનસિંહ દરબાર (રહે. મહાદેવિયા, ડીસા), રાહુલ બાબુલાલ માળી (રહે. રીજમેન્ટ, ડીસા), ગણપતભાઇ દેસાઇ (રહે. આખોલ), કિસ્મતસિંહ મફુસિંહ વાઘેલા (રહે. ભડથ, ડીસા) એ તોડફોડ કરી હતી.

તેઓએ સ્પાના કર્મચારી અંકુર કાન્તિલાલ મંડોરા (માળી)ને પૂછ્યું કે, શેઠ રોહીત મનુભાઇ માળી ક્યાં છે. અંકુરે રોહીત હાજર નથી તેમ કહ્યું આ સાંભળતાં શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને અંકુરના ડાબા હાથની ત્રીજી આંગળી પર ઘા કર્યો હતો અને પીઠ પર તલવાર મારી હતી. ધોકા અને લોખંડની પાઇપથી પગ પર માર્યો હતો. આ અંગે અંકુરે કાન્તિલાલ મંડોરા (માળી) દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.