ડીસા તાલુકાના માલગઢ ગામની શેઠ એલ. એચ. માળી આદર્શ હાઇસ્કૂલમાં 74 મો ગણતંત્ર દિવસ ઉજવાયો હતો. ગાયત્રી પરિવાર દ્વારા વસંત પંચમી નિમિત્તે સરસ્વતી વંદના અને દીપ પ્રાગટય થયું હતું. કાર્યક્રમના પ્રારંભે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન કરાયું હતું.
વ્યાયામ શિક્ષક મુકેશભાઇ પઢિયારના માર્ગદર્શન હેઠળ એન.સી.સી. પરેડ યોજાઇ હતી. કાર્યક્રમના અધ્યક્ષ નિવૃત પ્રોફેસર મધુસૂદનભાઇ પઢિયારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને શાળા પ્રમુખ અમૃતભાઇ પઢિયારે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.મહેમાનોનું શાબ્દીક સ્વાગત શાળાના આચાર્ય મિલનભાઇ રાવલે કર્યું હતું.
શાળાના કાર્ય માટે દાન-યોગદાન પ્રદાન કરનાર દિલેર દાતાઓ,નિઃસ્વાર્થ રક્તદાતાઓ અને અતુલ્ય વારસો માટે સતત સઘન લેખન કાર્ય કરનાર જીતેન્દ્રકુમાર મગનાજી ટાંક "કવિ જીમ"નું શાલ અને સન્માનપત્ર વડે પ્રેરક બહુમાન કરાયું હતું.વિવિધ પ્રવૃતિઓમાં નોંધપાત્ર પ્રદાન માટે શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. વકતૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી ત્ર્યંબકભાઇ ત્રિવેદીએ આભારવિધી કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાસ્કરભાઇ રાવલે કર્યું હતું.