કડી તાલુકાના વડુ ગામની સીમમાં આવેલી લાયકા હેવી મેટલ કંપનીમાં કામ કરતાં શખ્સે અમદાવાદથી મળવા આવેલા તેના પિતરાઇ ભાઇની ગુદામાં કમ્પ્રેસરની પાઇપથી હવા ભરતાં તેનું મોત થયું હતું. મૃતકના ભાઇના નિવેદન આધારે નંદાસણ પોલીસે પિતરાઇ ભાઇ સામે ગુનો નોંધ્યો છે.
કડી તાલુકાના વડુ સીમમાં આવેલી લાયકા હેવી મેટલ કંપનીમાં છેલ્લા બે માસથી થરાદ તાલુકાના પાવડાસણ ગામનો વણકર ઘેવાભાઇ છગનભાઇ અને તેના કાકાનો દીકરો અલ્પેશભાઇ જેમલભાઇ વણકર તેના મિત્ર શામળાભાઇ સાથે કંપનીના ક્વાટરમાં રહી કલરકામ અને તેને સૂકવવાનું કામ કરે છે. 26 મી જાન્યુઆરીને રવિવારે કંપનીમાં કામ ચાલુ હોઇ તેઓ કામ કરતા હતા.
ત્યારે ઘેવાભાઇ વણકરનો મોટો ભાઇ પ્રકાશ અમદાવાદ તેની કંપનીમાં રજા હોઇ મળવા આવ્યો હતો. ઘેવાભાઇ અને શામળ કંપનીમાં કલર કામ અને અલ્પેશ કમ્પ્રેસરથી લગાવેલ રબ્બરની પાઇપથી હવાથી કલર સૂકવવાનું કામ કરતો હતો. અલ્પેશ કમ્પ્રેસરમાંથી નીકળતી પ્રેસર પાઇપની હવા માણસમાં ભરવાથી મોત થઇ શકે તે જાણતો હોવા છતાં તેણે પ્રકાશ છગનભાઇ વણકરના પેન્ટમાં રબ્બરની પાઇપ નાખી તેના ગુદાના ભાગેથી કમ્પ્રેસરથી તેના શરીરમાં હવા ભરતાં ઉલ્ટીઓ થઇ પ્રકાશ બેભાન થઇ ગયો હતો.
આથી ઘેવાભાઇ અને તેનો મિત્ર કાળુભાઇ તેને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઇ આવતાં પ્રાથમિક સારવાર બાદ પ્રકાશને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. નંદાસણના પી.એસ.આઇ.એ ઘેવાભાઇ વણકરના નિવેદન આધારે તેના પિતરાઇ ભાઇ અલ્પેશ જેમલભાઇ વણકર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.