કાંકરેજના થળી મઠ ગાદી વિવાદમાં એક જૂથ મંગળવારે વહેલી સવારે મઠ પર પહોંચી મહંતનું અપહરણ કરી સીસીટીવી કેમેરા તોડી ડીવીઆર ગુમ કરી દીધું હતું.અજાણ્યા શખ્સો દ્વારા વાહનોમાં પણ તોડફોડ કરાઈ હતી.ઘટનાના પગલે આસપાસના વિસ્તારની પોલીસ મઠ પર પહોંચી ગઈ હતી જે બાદ તમામને લઈ પોલીસ મથકે દિવસભર જમાવડો રહ્યો હતો.
કાંકરેજ તાલુકાના ગંગાપુરા કેવળપુરી મહારાજની થળી જાગીર મઠ ખાતે જાગીર મઠના મહંત 1008 શ્રી જગદીશપુરી બાપાનુ અચાનક નિધન બાદ નવા મહંત બેસાડવા માટેનો વિવાદ સર્જાયો હતો.એક પક્ષ દ્વારા મહંત તરીકે સંતરામપુરી મહારાજને બેસાડ્યા હતા ત્યારે બીજા પક્ષ અને સેવકોને તે મહંત મંજુરના હોઈ બીજા પક્ષે જાગીર મઠના મહંત તરીકે કાર્તિકપુરીને ચાદરવિધિ કરી દેવાની હતી. પરંતુ વિવાદ વધતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
તેવામાં મંગળવારે વહેલી સવારે અગાઉ બેસાડેલા જાગીર મઠ મહંત સંતરામપુરીને ઉઠાડી નવા મહંત તરીકે કાર્તિકપુરીને સંઘર્ષ પૂર્વક બેસાડી દીધા હોવાની પોલીસને જાણ થતાં પોલીસ થળી જાગીર મઠ ખાતે વહેલી સવારે પહોંચી ગઇ હતી. પોલીસે જગ્યાને કોર્ડન કરી જગ્યામાં હાજર તમામને શિહોરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં આખો દિવસ શિહોરી પોલીસ મથકે લોકો ઉમટ્યા હતા. જેમાં શિહોરી પી.આઇ.એમ બી કોટવાલ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જયારે વિવાદિત જાગીર મઠના મહંત સાથે સંઘર્ષ થયાના સમાચાર બાદ દિયોદર ડી.વાય.એસ પી. માનકર, થરા પી.આઇ. ઝરીયા સહિત પોલીસ સ્ટાફ ખડકી ખડકી દેવામાં આવ્યો હતો. સાંજે એસ.પી. શિહોરી પોલીસ મથકે દોડી આવ્યા હતા.
આ અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, થળી મઠમાં બંને ગ્રુપ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે કોને મહંત તરીકે બેસાડવા તે બાબતે.તેને લઇ અમર ભારતી મહારાજ અને તેમના સાથીઓએ વહેલી સવારે થળી મઠમાં જઈને જે મહંત બેસાડેલા હતા તેમનું અપહરણ કર્યું હતું. પોલીસ તુરંત જગ્યા પર જઈ જે બીજા મહંત હતા તે અહીં સલામત પાછા આવી ગયા છે. બંને પક્ષોને પોલીસ સ્ટેશનને લાવી કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે હાલમાં કોઈપણ જાતના લો એન્ડ ઓર્ડરને લઈને કોઈ ઈશ્યુ નથી. જે ઘટના બની છે તેને લઈને ગંભીરતાથી નોંધ લઈ સખતમાં સખત કાર્યવાહી કરી રહ્યા છીએ.