બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ડીસા તાલુકાના ભડથ ગામે ગુરૂવારે મધરાતે ખાનગી વાહનમાં નદીમાં પહોંચી ખનીજ ચોરી કરતાં તત્વોને ઝડપી લઇ એક મશીન સહિત બે ડમ્પર મળી રૂપિયા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં રેતીની ચોરી થતી હોવાની ફરિયાદોના આધારે ભૂસ્તર વિભાગ દ્વારા અવાર-નવાર કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ખનીજ માફીયાઓ દ્વારા મધરાતે ખનન કરી બારોબાર ગાડીઓમાં રેતી ભરાવતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના ભડથ ગામે ગુરૂવારે મધરાતે રેતી ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની ફરિયાદના આધારે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીત સિંઘ સારસ્વા સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર, સર્વેયર મેહુલ દવેએ અડધી રાત્રે ખાનગી વાહનમાં નદીમાં ઘૂસી ભડથ ગામે ચાલી રહેલી ખનીજ ચોરી ઝડપી લીધી હતી.
ભૂસ્તર વિભાગની ટીમે કડકડતી ઠંડીમાં રાતભર નદીમાં વોચ ગોઠવી એક હિટાચી મશીન અને બે ડમ્પરને ઝડપી લઇ કુલ રૂ. એક કરોડ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે ભૂસ્તર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ડમ્પર જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે સોંપાયા છે. હવે જગ્યાની માપણી કરી તેના આધારે દંડ ફટકારવામાં આવશે.