અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટીનાં ત્રણ અધ્યાપકોને સંશોધન માટે ગુજરાત સરકાર દ્વારા કુલ રૂ. ૮,૫૦,૦૦૦/-ની આર્થિક સહાય પ્રાપ્ત થઈ -
આણંદ.
વલ્લભ વિદ્યાનગર.
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના અનુસ્નાતક ગુજરાતી વિભાગના ત્રણ અધ્યાપકો પ્રો. (ડો.) મહેન્દ્ર નાયી, ડો. રમેશ ચૌધરી અને ડો. રાજેશ્વરી પટેલને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના 'ગુજરાતી ભાષા—સાહિત્ય સંશોધન પ્રકલ્પ ૨૦૨૪- ૨૫' અંતર્ગત કુલ રૂ. ૮,૫૦,૦૦૦/-ની આર્થિક સહાય પ્રાપ્ત થઈ. આ સંશોધન પ્રકલ્પ અંતર્ગત પ્રો. (ડો.) મહેન્દ્ર નાયી દ્વારા ‘ગુજરાતી સાહિત્યમાં યાત્રાઃ એક અભ્યાસ' શીર્ષક હેઠળ ગુજરાતી સાહિત્યમાં યાત્રા વિષયક જે સાહિત્ય પ્રાપ્ત થાય છે તેના આધારે યાત્રા સાહિત્યની વિકાસરેખા તૈયાર કરવામાં આવશે. આ સંશોધન દ્વારા ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક વારસાનો પણ અભ્યાસ કરવામાં આવશે. જેના આધારે શિલ્પસ્થાપત્ય અને ગુજરાતનાં મંદિરો તથા ગુજરાતનાં ભવ્ય વારસાની અમૂલ્ય માહિતી પ્રાપ્ત થશે. ડો. રમેશચંદ્ર ચૌધરી દ્વારા ‘ઉત્તર ગુજરાતનું કંઠરથ ભજન સાહિત્ય: એકત્રીકરણ, લિપ્યંતરણ અને તેનું સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભે અધ્યયન’ શીર્ષક હેઠળ આપણા લુપ્ત થતાં સાંસ્કૃતિક વારસનું જતન, સંરક્ષણ અને સંવર્ધન થાય તે અંગેનું સંશોધન કાર્ય કરવામાં આવશે. ડો. રાજેશ્વરી પટેલ દ્વારા ‘ભારતીય નવલકથાઓમાં રામાયણ અને મહાભારતનાં ચરિત્રોની કાલાતીત ગાથા: એક અધ્યયન' શીર્ષક હેઠળ અમીષ ત્રિપાઠી, આનંદ નીલકંઠ, પ્રતિભા રાય, મૃદુલા સિન્હા અને કૌલદાસ ગુપ્તા જેવા પ્રખ્યાત ભારતીય સર્જકો પોતાના સાહિત્યમાં રામાયણ અને મહાભારતના ચરિત્રોને સાંપ્રત સમયના સંદર્ભમાં નવ્ય પરિમાણો સાથે કેવા રચે છે તેના વિશે વિગતે સંશોધન કરશે.
રિપોર્ટર , સૈયદ અનવર ઠાસરા. ખેડા.