ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઇ કલોલના વેપારીએ રૂ.7.05 લાખનું પેમેન્ટ ન ચૂકવતાં તે પેટે આપેલો ચેક રીટર્ન થતાં ડીસાની બીજી એડીશનલ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે જેતપુરના વેપારીને એક વર્ષની કેદની સજા અને રૂ. 7.50 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
ડીસામાં લાધાજી મોટાજી એન્ડ કું.નામની પેઢી ધરાવતા ગણપતલાલ લાધાજી કચ્છવાએ જેતપુર શાકમાર્કેટમાં નરેન્દ્રકુમાર ઘનશ્યામ એન્ડ કુા. નામથી પેઢી ધરાવનાર ગિરીશભાઇ ઘનશ્યામદાસ નરવાનીને વર્ષ-2022 માં કુલ રૂ. 22,46,610 ના બટાકા આપેલા હતા. જે માલના નાણાં પૈકી રૂ.10,16,603 ચૂકવવામાં આવ્યા હતા.
ત્યારબાદ ઉઘરાણી કરતાં ગિરીશભાઇ દ્વારા રૂ. 12,29,507 પૈકી રૂ. 5,27,800 ચૂકવવામાં આવ્યા હતા અને બાકીની રકમ રૂ.7,05,000 નો ભારતીય સ્ટેટ બેંક, કનાઇકા પ્લોટ, જેતપુર શાખાનો ચેક મોકલ્યો હતો.
જે ચેક રીટર્ન થતાં તેઓએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં ડીસા કોર્ટના બીજા એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ (ફ.ક.) હર્ષદભાઇ એસ. ચાવડાએ ફરિયાદી પક્ષના વકીલ એસ.એમ.ખત્રીની દલીલોને ગ્રાહ્ય રાખી હતી તેમજ આરોપી ગિરીશભાઇ ઘનશ્યામદાસ નરવાની (રહે.બાપુની વાડી, અભિષેક સ્કૂલ પાસે, જેતપુર) ને એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને રૂ.7,05,000 ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી બાકીની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.