ધાનેરાના મગરાવાના બે યુવકો ધાનેરા શુક્રવારે કામ અર્થે આવ્યા હતા અને સાંજે કામ પતાવી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે જીવાણા ગામ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતાં બાઇક ચાલક ગાયને અથડાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.
ધાનેરાના મગરાવાનો 31 વર્ષિય જબરાભાઇ મેવાભાઈ ભીલ શુક્રવારે અન્ય એક યુવક સાથે ધાનેરા કામ અર્થે આવ્યો હતો. કામ પતાવી સાંજે મગરાવા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે થાવરથી રાણીવાડા તરફ જતા માર્ગ પર જીવાણા ગામ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવારે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને બાઇક ગાય સાથે અથડાયું હતું. જેમાં જબરાભાઇ મેવાભાઈ ભીલને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.જ્યારે અન્ય એક યુવકને સારવાર માટે ધાનેરા લઈ જવાયો હતો. આ ઘટનાને લઇ મગરાવામાં શોક છવાયો હતો.
નોંધનીય છે કે, ધાનેરામાં રખડતા પશુઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. રાત્રી દરમિયાન પશુઓ રસ્તા પર દેખાતા નથી. જેથી નાના મોટા અકસ્માત થતાં આવ્યા છે.પાલિકા દ્વારા રખડતાં ઢોરોને પાંજરે પુરવા માંગ ઉઠી છે.