સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં જન્મેલી બાળકીનું ઓક્સિજનના અભાવે મોત નીપજ્યું છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ડીલેવરી બાદ એક દિવસની બાળકીની તબિયત લથડતાં મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ તેની હાલત લથડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં એક દિવસની બાળકીનું મોત નીપજ્યું છે. જેને લઇને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીમાં રહેતા નસીમબેન સબીરભાઈ ચૌહાણ પોતાના પિતાના ઘરે ડીલેવરી કરવા આવ્યા હતા. પરંતુ ગાંધી હોસ્પિટલમાં તેમની ડીલેવરી કરાવવામાં આવી હતી. અને નસીબબેને ગાંધી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે આ બાળકીને ત્યાં પાંચ કલાક રાખ્યા બાદ પણ તેની તબિયત લથડતી જણાતી હતી.ઓક્સિજનનો અભાવ હોવાના પગલે ગાંધી હોસ્પિટલની ડોક્ટરી ટીમ દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને તાત્કાલિક પણે ખાનગી હોસ્પિટલમાં લઈ જવા માટે પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું. આ મામલે નસીમબેન સબીરભાઈ ચૌહાણના પિતા તાત્કાલિક પણે સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં પણ ત્રણથી ચાર કલાક સારવારમાં રાખ્યા બાદ બાળકીની હાલત વધુ લથડથી જઈ રહી હોય અને હજુ સુધી ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે રાજકોટ લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતુ.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બાળકીને લઈ જવામાં આવ્યા બાદ તેનું મોત નીપજ્યું છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે. એક દિવસની બાળકીને ફક્ત સામાન્ય ઓક્સિજન મળી રહ્યો ન હતો. તેની સારવાર ગાંધી હોસ્પિટલમાં કલાકો બાદ પણ થઈ ન હતી અને તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ બાળકીનું મોત નિપજ્યું છે, જેને લઇને પરિણામે પરિવાર શોકમગ્ન બન્યો છે.