ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી નજીક ગાંધીધામ તરફ જઈ રહેલી ટ્રેલરમાં યાંત્રિક ખામી થતાં આગ લાગતા ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું તેમજ અંદર ભરેલા માલને પણ નુકશાન થવા પામ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનના સુમેરપુરથી ડીયુસી ખોળ ભરીને ગાંધીધામ તરફ જઈ રહેલા ટ્રેલરને ભીલડી નજીક એન્જિનમાં કંઈક ખરાબી લાગતા ડ્રાઇવરે ટ્રેલરને સર્વિસ રોડ પર પાર્કિંગ કરી દીધું હતું.
આ દરમિયાન ટ્રેલરમાં યાંત્રિક ખામી ના લીધે આગ લાગવાની શરૂ થઈ હતી. જોત જોતામાં આગથી ટ્રેલરનું કેબિન સંપૂર્ણ રીતે બળી ગયું હતું. જ્યારે પાછળના ભાગે પણ આગ ફેલાતા ખોળ ભરેલી બોરીઓ પણ સળગવા લાગી હતી.
આ દરમિયાન સ્થાનિકોએ આવીને તેમજ ડીસાથી ફાયર ફાઈટર આવી આગ બૂજાવી હતી. જોકે, આગથી મોટું નુકસાન થવા પામ્યું હતું. ટ્રેલર જયપુર ટ્રાન્સપોર્ટ કંપનીનું હતું. આ બાબતે ભીલડી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.