દાંતીવાડાના વાઘરોળ નજીકથી સપ્તાહ અગાઉ યુવતીનું ગાડીમાં અપહરણ દુષ્કર્મ આચરનારા વિનસીંગ ઉર્ફે વિનુસીંગ કનુસીંગ સોલંકી,વાલસીંગ ઉદેસીંગ સોલંકી (બંને રહે. સામઢી મોટાવાસ તા.પાલનપુર)ને પોલીસે દબોચી લઈ તેમનુ શનિવારે બજારમાં સરઘસ કાઢ્યું હતુ.એલસીબી,એસઓજી સ્થાનિક પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારના સીસીટીવી તપાસી રસાણા સીએનજી ગેસ પંપ આગળ ગુનામાં વપરાયેલી ઇકો જોઈ અને ભેદ ઉકેલી લીધો હતો. ઇકો કારની ઉપર ત્રિકોણના આધારે પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી

દાંતીવાડાના વાઘરોળ ગામ નજીક 1લી ડિસેમ્બરે ગામની ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી એક યુવતીનું બે શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યું અને તે બાદ યુવતીને અજાણી જગ્યાએ લઈ જઈ બન્નેએ યુવતી સાથે વારંવાર સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીના પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે બે સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી ભોગ બનેલ યુવતીનું નિવેદન લઇ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી તો બે શખ્સઓ યુવતીનું ગાડીમાં અપહરણ કરી ગઢ નજીકના એક વિસ્તારમાં લઇ જઈ સામુહિક દુષ્કર્મ આચાર્યું. જો કે, બંને શખ્સ યુવતી સાથે બીજી કોઈ કરતૂત કરે તે પહેલા યુવતીને લાગ મળતા ચૂંગાલમાંથી છૂટી જીવ બચાવી નાસી છૂટી અને તે બાદ યુવતી એક પછી એક ખેતરો ખૂંદી એક પેટ્રોલ પંપ નજીક પહોંચી ગઈ હતી.પરંતુ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આ શખ્સો હતા કોણ એ શોધવું પોલીસ માટે એક કોયડારૂપ બની ગયું હતું.

યુવતીએ પોલીસ સમક્ષ જે ઇકો કારનું વર્ણન કર્યું હતું તેમાં કારની પાછળના ભાગે ઉપર ત્રિકોણ આકાર દોરેલો હતો. જેથી પોલીસે પાલનપુર,ડીસા,દાંતીવાડામાં મુખ્ય માર્ગ પરના તમામ સીએનજી પમ્પ પર જ્યાં જ્યાં ઇકો વાન ગેસ ભરાવવા માટે લાઈનમાં લાગે છે તેની તપાસ કરી હતી. જેમાં રસાણા પાસે એક પંપમાં શંકાસ્પદ ઇકો કાર જોવા મળી હતી જેની તપાસ કરતાં આખો ભેદ ઉકેલાઇ ગયો હતો.

આ અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતું કે " પોલીસને અપહરણમાં વાપરેલી કાર સામઢી મોટાવાસ ગામના વિનસીંગ ઉર્ફે વિનુસીંગ કનુસીંગ સોલંકીની હોવાનું બહાર આવતા પોલીસે વિનસીંગને ઝડપી પડ્યો અને તે બાદ તેની પૂછપરછ કરી તો સામઢી મોટાવાસના વિનુસીંગે ગામના વાલસીંગ ઉદેસીંગ સોલંકીને સાથે રાખી આ બંને શખ્સોએ જ યુવતીનું અપહરણ કર્યું અને તે બાદ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતા પોલીસે બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.