પાલનપુરની પરિણીતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. જોકે, પ્રેમ લગ્નના એક વર્ષના સમય ગાળામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું છે. ત્યારે પતિના શારીરિક-માનસિક ત્રાસ અને મારઝૂડથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો પિયરીયાઓએ કર્યો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના દામા ગામના લક્ષ્મીચંદ નાથાલાલ ટાંક (માળી) ની 26 વર્ષિય પુત્રી અનિતાએ ઇકબાલગઢના મહાદેવીયા ગામના ભરતકુમાર બાબુજી સોલંકી (માળી) સાથે એક વર્ષ અગાઉ જ પ્રેમ લગ્ન કર્યાં હતા. જેઓ પ્રેમ લગ્ન બાદ પાલનપુર ખાતે રહેતાં હતા. જ્યાં ગઇકાલે અગમ્ય કારણોસર પરિણીતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી પાલનપુર પશ્ચિમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મૃતકના કાકા મહેશભાઇ નાથાલાલ ટાંકે જણાવ્યું હતું કે, અગાઉ પરણિત અને એક સંતાનના પિતા ભરતે અનિતા સાથે બીજા લગ્ન કર્યાં હતા. જે અનિતા પાસે વારંવાર દહેજની માંગણી કરી મારઝૂડ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો અને કોઇ અણ બનાવ બનતાં તેને મારીને લટકાવી દીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો પિયરીયાઓએ કર્યાં હતા.

આ અંગે મૃતકના મોટા પાપા વસંતકુમાર ઉકાજી ટાંકે જણાવ્યું હતું કે, સમાજની અન્ય યુવતીઓ તેનો ભોગ બને નહી તે માટે પિયર પક્ષે ન્યાયની માંગ કરતાં પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. જોકે, મૃતક પરિણીતા પાસેથી સૂસાઇડ નોટ પણ મળી આવી હોઇ પિયરીયાઓએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.