ડીસા તાલુકાના બલોધર ગામે બુધવારે ખેતરમાં પશુઓ માટે ઘાસચારો વાઢી રહેલી પ્રસુતાને કરંટ લાગતાં ઘટનાસ્થળે મોત થતાં પરિવાર અને ગામમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

ડીસા તાલુકાના બલોધર ગામના પ્રસુતા સંગીતાબેન બચુજી ઠાકોર (ઉં.વ.આ. 35) ખેતરમાં વીજ થાંભલા નજીક પશુઓ માટે ઘાસચારો લઇ રહ્યા હતા. તે દરમિયાન નજીક આવેલા વીજ થાંભલાનો અર્થિંગ વાયર અડકી જતાં વીજ કરંટ લાગ્યો હતો.

આ અંગેની જાણ થતાં પરિવારના સભ્યો ત્યાં દોડી આવી તાત્કાલિક સંગીતાબેનને ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સંગીતાબેનને ત્રણ દીકરા અને એક દીકરી છે.

થાંભલાના અર્થિંગ વાયરમાં કરંટ કેવી રીતે પ્રસર્યો બલોધર ગામે બનેલી કરૂણ ઘટના માટે વીજ કંપનીની બેદરકારી જ સામે આવી છે. જ્યાં વીજ થાંભલાની ટોચ ઉપર સિંગલ ફેજનો વાયર ગોળ રીંગમાંથી નીકળી ગયેલો હતો. જે વાયર રીંગની નીચે લગાવેલા લોખંડના સ્ટેન્ડ ઉપર હતો.

આ સ્ટેન્ડની પાછળ થાંભલાની પાછળની બાજુ સ્ટેન્ડના સ્ક્રુ સાથે અર્થિંગ વાયર બાંધેલો હતો. આથી વીજ કરંટ લોખંડના સ્ટેન્ડમાંથી પ્રસરી સીધો અર્થિંગ વાયરમાંથી નીચે ઉતરતો હતો. જે વાયરને અડકી જતાં પ્રસૂતા સંગીતાબેનનું મોત નિપજયું હતું. જેને લઇ ગમગીની છવાઇ ગઇ છે.