વડોદરા માં ગત તા.18 જૂને જ્યારે પ્રધાનમંત્રી મોદી આવવાના હતા ત્યારે મનપાએ માણેકપાર્કથી સરદાર એસ્ટેટ સુધી જે એક જ તરફનો રોડ બનાવ્યો હતો જે સામાન્ય વરસાદમાંજ ધોવાઈ જતા જનતાના રૂ. 84 લાખ પાણીમાં વહી ગયા છે.
એરપોર્ટથી સરદાર એસ્ટેટ સુધીના રોડ પર 9 મીટર પેચવર્ક કરાતાં બે મહિનામાં જ રોડ પર ગાબડાં જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત.18 જૂને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા હતા. તે પૂર્વે શહેરમાં રાતોરાત આ વિસ્તારમાં રોડ, રંગરોગાન, વૃક્ષોનું ટ્રીમિંગ સહિતના કામો કરી દેવામાં આવ્યા હતા.
વડાપ્રધાન એરપોર્ટથી સરદાર એસ્ટેટ સુધીના રોડથી સભા સ્થળે જવાના હોવાથી પાલિકાએ તે રોડને રૂ 84 લાખના ખર્ચે ચકચકાટ કરી દીધો હતો.
એરપોર્ટ સર્કલ માણેક પાર્કથી સરદાર એસ્ટેટ સુધીનો 40 મીટરનો રોડ નવો બનાવવાની જગ્યાએ માત્ર 9 મીટરની પહોળાઇનો સરદાર એસ્ટેટ સુધીનો રોડ રોડ બનાવ્યો હતો. આ રોડ બનાવવા પાછળ રૂ. 84 લાખનો ખર્ચ કર્યા બાદ 2 મહિનામાં જ રોડ તૂટી ગયો છે. ઠેક ઠેકાણે રોડમાં ગાબડા પડી ગયા છે જે ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે એક તરફ મોંઘવારીમાં જનતા કરકસર કરી નાણાં સરકારને ટેક્સ અને વેરા રૂપે આપી રહી છે ત્યારે જનતાના પૈસાની બરબાદી થઈ રહી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.