ડીસા જીઆઇડીસી વિસ્તારમાં મંગળવારે રાત્રે રેતી ઉપર સૂતેલી બાળકી ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત થયું હતુ. આ અંગે મૃતકના પિતાએ ટ્રક ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસા જીઆઇડીસી પ્લોટ નં. 58 માં પરિવાર સાથે રહી ઇંટો પાડતાં મુળ મધ્યપ્રદેશના જાબવા જીલ્લાના રણાપુર તાલુકાના નાગણખેડી ફળીયાના કમલેશભાઇ નાનાભાઇ મછાર મંગળવારે રાત્રે પરિવાર સાથે રેતી ઉપર મેણીયું પાથરીને સૂતા હતા. દરમિયાન રિવર્સ આવેલા ટ્રક નં. જીજે. 08. એ.યુ. 7367 નું ટાયર શારદા (ઉ.વ.9) ના મોઢા અને ગળાના ભાગે ફરી વળ્યું હતુ. જે ચગદાઇ જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતુ. આ અંગે કમલેશભાઇએ ટ્રક ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કમલેશભાઇ તેમની દીકરી શારદા અને તેમની સાથેના કૈલાસભાઇ બાલુભાઇ ભીલવાલનો પુત્ર નરેશભાઇ રેતી ઉપર મેણીયું પાથરી સૂતા હતા. ત્યારે ટ્રક ચાલકે રિવર્સ લેતાં ટાયર શારદાના મોઢા અને ગળાના ભાગ ઉપર ચઢાવી દીધું હતુ. જેની મરણચીસ સાંભળી બંને જણા જાગી ગયા હતા. શારદાને જોતા તેનું મોત થઇ ગયું હતું.